Ahmedabad School Fee FRC : અમદાવાદ સહિત રાજ્યના વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા અમદાવાદ ઝોનની ખાનગી શાળાઓની નક્કી કરેલી ફી હવે સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી ખાનગી શાળાઓ દ્વારા ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની પ્રવૃત્તિ પર રોક લાગશે.
FRC દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર અત્યાર સુધીમાં 5,780 ખાનગી શાળાઓની ફી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરની 2,310 અને અમદાવાદ ગ્રામ્યની 394 ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ શાળાઓની ફી વિગતો ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ખાનગી શાળાઓ હવે ફી છુપાવી નહીં શકે
અગાઉ ઘણી ખાનગી શાળાઓ FRC દ્વારા નક્કી કરાયેલી ફી જાહેર કરતી ન હતી અને વિવિધ ચાર્જના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરતી હોવાની ફરિયાદો સામે આવતી હતી. એડમિશન ફી, ટર્મ ફી અથવા અન્ય પ્રવૃત્તિઓના નામે મોટાપાયે ફી લેવામાં આવતી હતી. વાલીઓ છેતરાય નહીં અને ફી બાબતે પારદર્શિતા રહે તે માટે FRCએ મહત્વપૂર્ણ નિર્ણય લઈને તમામ ખાનગી શાળાઓની ફી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે રાજ્યની કોઈપણ ખાનગી શાળા FRC દ્વારા નક્કી કરેલી ફી છુપાવી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કડક અમલ
સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર હવે ખાનગી શાળાઓ ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરેલી ફી સિવાય એક પણ રૂપિયો વધારાનો વસૂલ કરી શકશે નહીં. અગાઉના કેટલાક ઓર્ડરમાં એડમિશન અથવા ટર્મ ફી અંગે ઉલ્લેખ રહેતો હતો, પરંતુ હવે જાહેર થતી ફી વિગતોમાં આવી કોઈ છૂટ આપવામાં આવતી નથી. એટલે કે, ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરેલી ફી જ અંતિમ ગણાશે.

વાલીઓ કેવી રીતે ફી જોઈ શકશે?
ફી રેગ્યુલેટરી કમિટીની સત્તાવાર વેબસાઇટ frcgujarat.org પર જઈને વાલી અને વિદ્યાર્થી પોતાની શાળાની ફી સરળતાથી જાણી શકશે. વેબસાઇટ પર જિલ્લો અથવા મ્યુનિસિપલ વિસ્તાર, બોર્ડ, માધ્યમ અને શાળાનું નામ દાખલ કરતા જ શાળાનો ફી ઓર્ડર ખુલશે. જેમાં ધોરણ અને વર્ષ પ્રમાણે ફીનું માળખું દર્શાવવામાં આવશે. જો કોઈ ખાનગી શાળા નક્કી કરેલી ફી કરતાં વધુ રકમ વસૂલતી હોવાનું સામે આવશે, તો વાલીઓ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી શકશે. આ પગલાંથી ફી બાબતે પારદર્શિતા આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સંચાલકો સામે કાર્યવાહી શક્ય બનશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી લોહીયાળ ખેલ ખેલાયો, બારેજડીમાં પૈસાની લેતીદેતીમાં યુવકની કરપીણ હત્યા
આ પણ વાંચો: અમદાવાદ પછી સુરત અને લંડનમાં બનશે ખોડલધામ મંદિર, ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય
આ પણ વાંચો: અમદાવાદમા સ્વેટરને લઈ દબાણ મુદ્દે 9 શાળાઓને DEOની નોટિસ
