National News: AIના વધતા ઉપયોગ વચ્ચે IT ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ફ્રેશર્સની ચિંતા (AI Impact on Jobs) વધી રહી છે. કંપનીઓ હવે અનેક એવા કામ AIની મદદથી કરી રહી છે, જે અગાઉ નવા કર્મચારીઓને સોંપવામાં આવતા હતા. ત્યારે શું ભવિષ્યમાં કંપનીઓ ફ્રેશર્સની ભરતી બંધ કરી દેશે? આ સવાલનો જવાબ Cognizant Indiaના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ વોરિયરે (Rajesh Warrier) આપ્યો છે. તેમના મતે, AI ફ્રેશર્સની નોકરીઓ છીનવી રહ્યું નથી, પરંતુ તેમની કામ કરવાની રીતમાં ફેરફાર કરી રહ્યું છે.
AI Impact on Jobs: ફ્રેશર્સ માટે નોકરીની તકો કેવી રીતે બદલાઈ રહી છે?
રાજેશ વોરિયરે જણાવ્યું કે AIના કારણે ખાસ કરીને IT ક્ષેત્રમાં એન્ટ્રી-લેવલનાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે. અગાઉ નવા કર્મચારીઓને કોડિંગ, સોફ્ટવેર ટેસ્ટિંગ અને અન્ય નિયમિત કાર્યો સોંપવામાં આવતા હતા. હવે AI આમાંથી ઘણાં કામ કરી શકે છે. જોકે, તેનો અર્થ એ નથી કે કંપનીઓને ફ્રેશર્સની જરૂર નહીં રહે. તેના બદલે કર્મચારીઓની જવાબદારીઓ બદલાશે અને તેમને વધુ વિશ્લેષણાત્મક તથા નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતાં કામ કરવાં પડશે.
ભારતમાં 37% એન્ટ્રી-લેવલનાં કામ AI સંભાળે છે
વોરિયરે Cognizant અને Persona દ્વારા જૂન 2026માં કરવામાં આવેલા અભ્યાસનો ઉલ્લેખ કર્યો હતો. આ અભ્યાસ મુજબ, ભારતીય કંપનીઓમાં એન્ટ્રી-લેવલની લગભગ 37% નોકરીઓ AI દ્વારા સંભાળવામાં આવી રહી છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો 33% છે. સર્વેમાં સામેલ 80% લોકોનું માનવું છે કે AIની મદદથી કર્મચારીઓ વધુ મહત્ત્વપૂર્ણ અને ગુણવત્તાયુક્ત કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
અભ્યાસમાં ભરતીને લઈને પણ એક મહત્ત્વપૂર્ણ બાબત સામે આવી છે. 94% HR હેડ્સને અપેક્ષા છે કે AIના કારણે ભવિષ્યમાં એન્ટ્રી-લેવલની નવી નોકરીઓ ઊભી થશે, જે હાલમાં અસ્તિત્વમાં નથી.
ફ્રેશર્સે હવે કઈ સ્કિલ્સ શીખવી પડશે?
રાજેશ વોરિયરના મતે, હવે ફ્રેશર્સે માત્ર બેઝિક કોડિંગ કે સોફ્ટવેર ટેસ્ટિંગ શીખવા પર આધાર રાખવો પૂરતો નથી. તેમણે AI ટૂલ્સનો ઉપયોગ કરતાં શીખવું પડશે. AI દ્વારા તૈયાર કરવામાં આવેલા પરિણામોની ચકાસણી કરવી, તેમાં રહેલી ભૂલો ઓળખવી, રિપોર્ટ્સ સમજવા અને જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય લેવો જેવી કુશળતાઓ મહત્ત્વપૂર્ણ બનશે.
કંપનીઓને કેવા કર્મચારીઓની જરૂર પડશે?
વોરિયરે જણાવ્યું કે ભવિષ્યમાં કંપનીઓ એવા કર્મચારીઓને પ્રાથમિકતા આપશે, જેઓ AIની સમજ ધરાવતા હોવાની સાથે સમસ્યાઓને ઓળખી શકે અને તેના ઉકેલ પણ શોધી શકે. તેમણે કોલેજોને પણ ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો પ્રમાણે અભ્યાસક્રમ અપડેટ (AI Jobs for Freshers) કરવાની સલાહ આપી છે. એટલે કે AIના યુગમાં ફ્રેશર્સ માટે નોકરીની તકો સમાપ્ત થવાને બદલે જરૂરી સ્કિલ્સ અને કામની પદ્ધતિ બદલાઈ રહી છે.
આ પણ વાંચો: AI છીનવી લેશે ફ્રેશર્સની નોકરી? IIScના પ્રોફેસરે વિદ્યાર્થીઓને કેમ ચેતવ્યા?
આ પણ વાંચો: AI Jobs: બિલ ગેટ્સની 3 મોટી ચેતવણી, યુવાનોની નોકરીઓ પર વધશે ખતરો
આ પણ વાંચો: જનરેટિવ AIથી ભારતની નોકરીઓમાં મોટો બદલાવ? જાણો કયા ક્ષેત્રો પર પડશે સૌથી વધુ અસર
