sports news/ અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ભાવુક વીડિયો શેર કરી નિવૃત્તિની જાહેરાત

અજિંક્ય રહાણે (Ajinkya Rahane)નો જન્મ 6 જૂન, 1988ના રોજ મહારાષ્ટ્રના અહિલ્યાનગર (પૂર્વે અહમદનગર) જિલ્લામાં થયો હતો

Sports
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સત્તાવાર નિવૃત્તિ (Retirement)ની જાહેરાત કરી છે

Sports News : ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સત્તાવાર નિવૃત્તિ (Retirement)ની જાહેરાત કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયા (Team India)થી બહાર રહેલા રહાણેએ ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદા કહી દીધું. વીડિયોમાં તેઓ ભાવુક નજરે પડ્યા હતા અને તેમની આંખોમાં આંસુ પણ સ્પષ્ટ દેખાતા હતા.

એક સમયે ભારતીય ટેસ્ટ ટીમના સૌથી વિશ્વસનીય બેટ્સમેન ગણાતા રહાણેએ પોતાની શાનદાર બેટિંગ અને શાંત નેતૃત્વથી અનેક યાદગાર જીત અપાવી હતી. ખાસ કરીને 2020-21ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) દરમિયાન ઓસ્ટ્રેલિયામાં તેમના નેતૃત્વ હેઠળ ભારતે ઐતિહાસિક 2-1થી સિરીઝ જીતી હતી, જેને ભારતીય ક્રિકેટના સુવર્ણ અધ્યાયોમાં સ્થાન મળ્યું છે.

36 રનના આઘાત બાદ ભારતને અપાવી ઐતિહાસિક જીત

એડિલેડ ટેસ્ટમાં ભારત માત્ર 36 રનમાં ઓલઆઉટ થયું હતું અને ત્યારબાદ વિરાટ કોહલી પિતૃત્વ રજા પર ભારત પરત ફર્યા હતા. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અજિંક્ય રહાણે ((Ajinkya Rahane)એ ટીમની કમાન સંભાળી હતી. મેલબોર્ન ટેસ્ટમાં તેમની શાનદાર સદી અને શાંત નેતૃત્વના કારણે ભારતે જબરદસ્ત વાપસી કરી અને અંતે 2-1થી શ્રેણી પોતાના નામે કરી હતી.

2011માં શરૂ થઈ હતી આંતરરાષ્ટ્રીય કારકિર્દી

અજિંક્ય રહાણે (Ajinkya Rahane))નો જન્મ 6 જૂન, 1988ના રોજ મહારાષ્ટ્રના અહિલ્યાનગર (પૂર્વે અહમદનગર) જિલ્લામાં થયો હતો. તેમણે વર્ષ 2011માં ઇંગ્લેન્ડ સામે T20 મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ એક મહિના પછી તેમણે વનડે ડેબ્યૂ કર્યું અને વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ મેચ રમી હતી.

ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાથી હતા દૂર

રહાણે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમની પસંદગીમાંથી બહાર હતા. વર્ષ 2016 બાદ તેમને T20 આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું નહોતું. જ્યારે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે રહી હતી. ત્યારથી તેઓ પસંદગીકારોની યોજનાઓનો ભાગ રહ્યા નહોતા. જોકે તેઓ ઘરેલુ ક્રિકેટ અને IPLમાં સતત સક્રિય રહ્યા હતા. IPL 2026માં તેમણે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશિપ પણ સંભાળી હતી.

ભારતીય ક્રિકેટમાં હંમેશા યાદ રહેશે રહાણેનું યોગદાન

અજિંક્ય રહાણેને તેમની શાંત વૃત્તિ, મુશ્કેલ પરિસ્થિતિમાં જવાબદારીભર્યું પ્રદર્શન અને ટીમ માટેના સમર્પણ માટે હંમેશા યાદ કરવામાં આવશે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં મળેલી ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતમાં તેમની ભૂમિકા ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સદાય અંકિત રહેશે.



આ પણ વાંચો : ‘મારી સફળતાથી લોકો બળે છે’, ટીકાકારો પર અજિંક્ય રહાણેનો વળતો પ્રહાર

આ પણ વાંચો : અજિંક્ય રહાણેનો મોટો ખુલાસો, ODI વર્લ્ડ કપ દરમિયાન ભારત નહીં પણ આ ટીમ માટે મેચ રમશે

આ પણ વાંચો : શુભમન ગિલ ફરી બન્યો ODIનો નંબર-1 બેટ્સમેન, ICC ટોપ-5માં ભારતના ત્રણ સ્ટાર ખેલાડીઓનો દબદબો