Botad News : બોટાદ શહેરની શાળા નંબર 20માં ચાલી રહેલા કથિત અનિયમિતતાઓ અને ગેરરીતિઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાં શાળાના જ વિદ્યાસહાયક શિક્ષક ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે કે શાળામાં પરીક્ષા દરમિયાન ચોરી કરાવવામાં આવે છે અને આ માટે ક્લાસરૂમના કેમેરા હટાવીને પરિસરમાં મૂકવામાં આવે છે.
વિદ્યાસહાયક શિક્ષકે આક્ષેપ કર્યો છે કે આ કારણે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે અને શાળામાં શૈક્ષણિક વાતાવરણ બગડી રહ્યું છે. તેમણે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાની ફરિયાદ કરી છે.
આ બાબતે શાળાના આચાર્ય ચેતનભાઈ ગોહિલે કેમેરા મૂકવાના નિર્ણયનો બચાવ કર્યો છે. જોકે, વિદ્યાસહાયક શિક્ષકના આક્ષેપોએ શાળામાં અને શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. આ ગંભીર આરોપો બાદ શિક્ષણ વિભાગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ ઉઠી છે.
આ મામલો માત્ર એક શાળા સુધી મર્યાદિત નથી, પરંતુ આખા શિક્ષણતંત્ર પર સવાલ ઉઠાવે છે. શું આવી ઘટનાઓ અન્ય શાળાઓમાં પણ બની રહી છે ? આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ શાળામાં ચાલી રહેલા કથિત અનિયમિતતાઓ અંગે તપાસ કરવાની માંગ કરી છે. શિક્ષણ વિભાગ આ મામલે કેટલી ગંભીરતાથી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.
@ YASIN MANKAD, Mtv
આ પણ વાંચો: બોટાદમાં ખનીજ માફિયાઓની જામીન અરજી રદ
આ પણ વાંચો: બોટાદ: ખસ ગામ સહિત અન્ય ગામના લોકોએ રોડ પર કર્યો ચક્કાજામ, રામધૂન પણ બોલાવી
આ પણ વાંચો: બોટાદમાં તાલુકા સેવા સદનમાં છત પર લગાવવામાં આવેલ સોલાર પેનલો ભંગાર હાલતમાં
