અમદાવાદઃ ગુજરાતીઓના ગાત્રો ધ્રૂજાવતી આગાહી અંબાલાલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સમયમાં ઠંડુ એટલી પડશે કે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની પણ નીચે ઉતરી જઈ શકે છે. તેની સાથે તેમણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં તો તાપમાન સાત ડિગ્રીએ જઈ શકે તેવી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું છે કે ગાત્રો થીજાવતી ઠંડીનો વધુ એક રાઉન્ડ આગામી અઠવાડિયાથી શરૂ થઈ જવાનો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાશે તેમ જણાવ્યું છે. તેના પછી સૌરાષ્ટ્રમાં પણ ઠંડી બધાના ગાત્રો શિથિલ કરી દેશે તેમ કહ્યું છે. આમ અત્યાર સુધી શિયાળો હૂંફાળો રહ્યા પછી ઠંડી જામી રહી છે. હાલમાં સવારે અને રાતે જબરદસ્ત ઠંડી હોય છે, પરંતુ બપોરે તાપમાન ગરમ રહે છે.
તેમણે ઠંડીના કારણો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું હોવાના લીધે ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં થયેલી ભારે હિમવર્ષાની અસર જોવા મળી રી છે. તેના લીધે હવામાન પણ બદલાયું છે. ફેબ્રુઆરીમાં દેશના ઉત્તર હિસ્સામાં ભારે હિમવર્ષા થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. તેની સીધી અસર રાજ્યમાં જોવા મળી શકે છે.
દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોના લીધે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે. તેમા સૌરાષ્ટ્રમાં જસદણ, ગોંડલ, સુરેન્દ્રનગર, ઉપલેટા, મોરબી જેવા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી શકે છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન દસની નીચે ઉતરી શકે છે. રાજ્યમાં ઠંડા અને સૂસવાટા મારતા પવનોની ગતિ પણ વધેલી જોઈ શકાશે.
ઉત્તર ગુજરાતના પાલનપુર, દાંતીવાડા, કચ્છ સહિતના ભાગોમાં પણ તાપમાનનો પારો ગગડીને દસ ડિગ્રી કે તેની નીચે જઈ શકે છે. અમદાવાદ અને વડોદરામાં પણ લઘુત્તમ તાપમાન ઘટીને 11-12 ડિગ્રી સેલ્સિયસે પહોંચી શકે છે. જાન્યુઆરીના અંતે તો ઠંડી ઘટી ગયેલી લાગશે, પરંતુ 24થી 25 દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો ગગડી શકે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ