પાકિસ્તાનમાં ભારે પૂરને કારણે લાખો લોકો બેઘર અને વિસ્થાપિત થયા છે. આ લોકો મદદ માટે દર-દર ભટકી રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય આ લોકોની મદદ માટે આગળ આવ્યો છે. બલૂચિસ્તાનના એક નાના ગામમાં એક હિંદુ મંદિરે કેટલાક પૂર પ્રભાવિત લોકોને ખોરાક અને આશ્રય આપ્યો છે. આ બાબા માધોદાસ મંદિર છે જે પીડિત લોકોની મદદ કરી રહ્યું છે.
બલૂચિસ્તાનના કચ્છી જિલ્લાના જલાલ ખાન ગામમાં સ્થિત બાબા માધોદાસ મંદિર પૂરના પાણીથી સુરક્ષિત રહ્યું છે અને અસરગ્રસ્ત લોકો માટે રહેવાનું સ્થળ બની રહ્યું છે. નદીઓમાં પૂરના કારણે આ ગામ બાકીના પ્રાંતથી કપાઈ ગયું હતું, જેના કારણે દૂરના વિસ્તારના રહેવાસીઓને પોતાની સંભાળ રાખવા માટે છોડી દેવામાં આવ્યા હતા. આ મુશ્કેલ સમયમાં સ્થાનિક હિંદુ સમુદાયે બાબા માધોદાસ મંદિરના દરવાજા પૂર પ્રભાવિત લોકો અને પશુધન માટે ખોલી દીધા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બાબા માધોદાસ એક હિન્દુ સંત હતા જેમને આ પ્રદેશના મુસ્લિમો અને હિંદુઓ સમાન રીતે માન આપતા હતા. તેઓ ઊંટ પર મુસાફરી કરતા, તેમણે ધાર્મિક સીમાઓ ઓળંગીને લોકોને તેમની જાતિ અને સંપ્રદાયને બદલે માનવતાની દ્ધષ્ટિથી જોતા હતા.
ઉલ્લેખનીય છે કે બલૂચિસ્તાનમાં હિંદુ ઉપાસકોનું પૂજા સ્થળ કોંક્રીટનું બનેલું હોય છે. તે ઊંચી જમીન પર બાંધવામાં આવ્યું છે. તેથી, તે પૂરના પાણીમાં સુરક્ષિત રહે છે.
રતન કુમાર આ મંદિરના પ્રભારી છે અને તેમની ઉંમર 55 વર્ષની છે. તેમનું કહેવું છે કે મંદિરમાં 100 થી વધુ ઓરડાઓ છે કારણ કે દર વર્ષે બલૂચિસ્તાન અને સિંધના લોકો અહીં મોટી સંખ્યામાં તીર્થયાત્રા માટે આવે છે. અહીં શરણ લેનારા લોકોનું કહેવું છે કે આ મુશ્કેલ સમયમાં તેમની મદદ અને ભોજન આપવા બદલ અમે તેમના આભારી છીએ.
