Ahmedabad AMC Panipuri Checking : અમદાવાદમાં ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉનાળાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ વિભાગે કમર કસી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ અને દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધરીને અત્યાર સુધીમાં 1600 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.
નિયમોનું ઉલ્લંઘન કરનારની લારીઓ જપ્ત
AMC દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન જે જગ્યાએ ગંદકી જોવા મળી અથવા હાઈજિનના નિયમોનું પાલન નહોતું થતું, તેવી અનેક લારીઓ તંત્ર દ્વારા ઉઠાવી લેવામાં આવી છે. કોર્પોરેશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ખાણી-પીણીની વસ્તુઓમાં ગુણવત્તા જળવાશે નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

QR કોડ દ્વારા ફીડબેક આપી શકાશે
અમદાવાદ કોર્પોરેશન દ્વારા એક અનોખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં હવે જાહેર જનતા પોતે પાણીપુરી કે અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ફીડબેક આપી શકશે. આ સિસ્ટમ હેઠળ ખાણી-પીણીની લારીઓ કે સ્ટોલ પર QR કોડ લગાવવામાં આવશે, જેને સ્કેન કરીને ગ્રાહકો સીધો રિપોર્ટ કરી શકશે કે ત્યાં હાઈજિન જળવાય છે કે નહીં. જો કોઈ વિક્રેતા ગંદકી રાખતો હશે અને લોકોના નેગેટિવ ફીડબેક મળશે, તો હેલ્થ વિભાગ દ્વારા તે વિક્રેતા સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે.
AMCની અપીલ, જાતે તકેદારી રાખો
કોર્પોરેશનના અધિકારીઓએ શહેરીજનોને અપીલ કરી છે કે બહાર ખાતી વખતે જાતે પણ તકેદારી રાખે. પાણી શુદ્ધ છે કે નહીં, વિક્રેતાએ ગ્લોવ્ઝ પહેર્યા છે કે નહીં અને આસપાસ સફાઈ છે કે નહીં તેની ચકાસણી કરીને જ ખાવું.
