Amreli Damnagar BJP News: અમરેલી જિલ્લાના દામનગરમાં આજે એક રાજકીય કાર્યક્રમ રક્તરંજિત બન્યો હતો. લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં જ ભાજપના શહેર મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આઘાતજનક વાત એ છે કે હુમલો કરનાર પણ ભાજપનો જ કાર્યકર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
BJPના અનેક હોદ્દેદારો મંચ પર હાજર
દામનગરના ઠાસા રોડ પર નવા બનનારા બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય જનક તળાવિયા અને ભાજપના અનેક હોદ્દેદારો મંચ પર હાજર હતા. કાર્યક્રમ દરમિયાન અચાનક ભાજપના એક કાર્યકરે ઉશ્કેરાઈને શહેર મહામંત્રી પ્રકાશ તજા પર હુમલો કરી દીધો હતો. હુમલાને પગલે ત્યાં હાજર લોકોમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

ગંભીર હાલતમાં ભાવનગર ખસેડાયા
ઘાતક હથિયારના ઘા વાગવાને કારણે પ્રકાશ તજા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાત અને DYSP ચિરાગ દેસાઈએ તપાસના આદેશ આપ્યા છે. દામનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને હુમલાખોર કાર્યકરની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધારાસભ્ય જનક તળાવિયાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને હુમલાને કમનસીબ ગણાવ્યો છે.
શું જૂથવાદ કારણભૂત છે?
ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના નેતા પર ભાજપના જ કાર્યકરે હુમલો કરતા આંતરિક જૂથવાદની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય અદાવત કે જૂના મનદુઃખને કારણે આ હુમલો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના સરસપુરમાં નશાની હાલતમાં ભાજપના યુવા નેતાનો બખેડો, લોકોએ મેથીપાક ચખાડ્યો
આ પણ વાંચો: ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડે
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્યએ કરી ભવિષ્યવાણી, કોંગ્રેસ અને ભાજપની કુંડળીમાં શું છે?
