Amreli News : અમરેલી લેટરકાંડ મામલે પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પાયલ ગોટીના ગંભીર આક્ષેપો અને વિધાનસભામાં આ મુદ્દો ગાજ્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કડક પગલાં લીધાં છે. તેમણે તાત્કાલિક અસરથી 3 પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જારી કર્યા છે.અમરેલી લેટરકાંડમાં પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થયા હતા, જેના કારણે રાજ્યના પોલીસ વડાએ આ બદલીઓનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી અનુસાર, અમરેલી LCBના PI એ.એમ. પટેલની કચ્છ પશ્ચિમ ભુજ ખાતે, સાયબર ક્રાઈમના PI એ.એમ. પરમારની વડોદરા શહેર ખાતે અને LCBના PSI કુસુમબેન પરમારની વડોદરા ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે.
પાયલ ગોટીએ અમરેલી પોલીસના કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના કારણે આ મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો હતો, જેના પગલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ વડા વિકાસ સહાયે આ બદલીઓને “જાહેર હિત”માં લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા કોઈ પણ અધિકારીને બક્ષવામાં નહીં આવે.

રાજ્યના DGP બાદ અરવલ્લી SP સંજય ખરાતે સપાટો બોલાવ્યો છે. એક સાથે મોટાપાયે બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ તંત્રમાં મોટા ફેરફારના આદેશ LCB ના PI તરીકે વિજય કોલાદરાની નિમણૂક કરાઈ, PI તરીકે અલગ અલગ 3 અઘિકારીઓની નિમણૂક, અન્ય 16 જેટલા પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી કરાઈ. 21 જેટલા પોલીસ કર્મચારીઓની પણ વિવિધ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ અને હોદ્દાવાળું બનાવટી લેટરપેડ 27મી ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું, ત્યારબાદ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કેટલાક આગેવાનો ગાંધીનગર સુધી કૌશિક વેકરીયાને સમર્થનમાં પણ પહોંચ્યા હતા. આ ઘટનામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરીયાએ ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધાયા બાદ અમરેલી SPની ટીમ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડમાં BJPના નેતાનું નામ આવતાં, CM ને પત્ર લખ્યો-નાર્કો ટેસ્ટ કરવા કહ્યું હું તૈયાર
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડમાં સમગ્ર તપાસ SMC કરશે, નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ
આ પણ વાંચો: લેટરકાંડ: કોર્ટમાં હેરાનગતિ નથી થઈ હોવાની કબૂલાત અને મીડિયા સમક્ષ પોલીસ પર આક્ષેપ !
