Amreli Cyber Crime Update: અમરેલીના ચર્ચાસ્પદ SD Pay અને Apna Pay એપ કૌભાંડમાં સાયબર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારોને જોડવામાં આવ્યા હોવાના આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. અમરેલી સાયબર ક્રાઈમની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેસની તપાસ અંગે મહત્વની વિગતો જાહેર કરી હતી.
બે મુખ્ય સૂત્રધાર બાદ વધુ એક આરોપીની ધરપકડ
કેસમાં બે મુખ્ય આરોપીઓ અને એપના માલિક તરીકે સામે આવેલા ધવલ પટેલ અને હિરેન શાહની બે દિવસ પહેલા ઓડિશાથી ધરપકડ કરવામાં આવી હતી. બંનેને ફ્લાઈટ મારફતે અમરેલી(Amreli) લાવવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ બાદ પોલીસે ભાવેશ અરવિંદ ધનેચાની પણ ધરપકડ કરી છે. અગાઉ આ જ કેસમાં 6 અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આમ, અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે કથિત રીતે રેફરલ આધારિત મોડલથી શરૂઆતમાં 271 લોકોને જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ મલ્ટિ-લેવલ માર્કેટિંગ એટલે કે MLM સિસ્ટમ મારફતે આશરે 1.50 લાખથી 1.75 લાખ લોકો સુધી નેટવર્ક ફેલાયું હોવાની માહિતી મળી છે. પ્લે સ્ટોર પર SD Pay એપના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ પણ નોંધાયા હતા.
દેશભરમાં 195 સાયબર ફ્રોડ ફરિયાદો
NCCRP પોર્ટલ પરથી કરવામાં આવેલી તપાસમાં કૌભાંડ (Amreli)સાથે સંકળાયેલા 18 બેંક ખાતાઓ સામે દેશના વિવિધ વિસ્તારોમાંથી આશરે 195 સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ આ ખાતાઓમાં થયેલા વ્યવહારો અને નાણાંના સ્ત્રોતની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રોકાણકારોના નાણાંની હેરફેર અને કથિત મની લોન્ડરિંગ માટે 7 બોગસ એટલે કે શેલ કંપનીઓ ઊભી કરવામાં આવી હોવાની તપાસ ચાલી રહી છે. આ કંપનીઓના નામે 18 બેંક ખાતાઓ ખોલાવવામાં આવ્યા હતા.
₹1598 કરોડના વ્યવહારોની તપાસ
આ 18 બેંક ખાતાઓમાં અંદાજે ₹1598 કરોડ (Amreli) જમા થયા હોવાની માહિતી તપાસ દરમિયાન સામે આવી છે. સાથે જ અન્ય આરોપીઓ સાથે જોડાયેલા વધુ 35થી 40 બેંક ખાતાઓ પણ પોલીસની તપાસ હેઠળ છે. પોલીસ હવે આ નાણાં ક્યાંથી આવ્યા, ક્યાં ટ્રાન્સફર થયા અને સમગ્ર નેટવર્કમાં કોની ભૂમિકા હતી તેની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. કેસની તપાસ આગળ વધારતા Amreli પોલીસ દ્વારા ભોગ બનેલા રોકાણકારોના રૂબરૂ તેમજ ટેલિફોનિક નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત એપ, રેફરલ નેટવર્ક, બેંક વ્યવહારો અને કંપનીઓ સાથે જોડાયેલા દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કૌભાંડની સમગ્ર નાણાકીય ચેન અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો:અમરેલીમાં ₹635 કરોડના કથિત ફ્રોડનો પર્દાફાશ, બે મુખ્ય આરોપીઓ ઓડિશાથી ઝડપાયા
આ પણ વાંચો:અમરેલીમાં સગીરાને ધમકી આપી દુષ્કર્મનો આરોપ, અંગત ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી
આ પણ વાંચો:અમરેલીમાં સિંહણનો હુમલો, ખેત મજૂર ઈજાગ્રસ્ત
