શુક્રવારે આવેલા ભૂકંપને કારણે ગ્રીસ અને તુર્કીમાં લગભગ 22 લોકોનાં મોત નીપજ્યાં છે. તુર્કીનાં દરિયાકિનારે અને ગ્રીસનાં સમોસ દ્વીપકલ્પ વચ્ચે એજિયન સમુદ્રમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી.
ઇસ્તાંબુલમાં કાંડિલી ઓબ્ઝર્વેટરી અને ભૂકંપ સંશોધન સંસ્થાનાં ડિરેક્ટર, હલૂક ઓજેનરે જણાવ્યું હતું કે, ઇઝમિર જિલ્લાનાં સેફેરિસારમાં પણ એક નાના પાયે સુનામી આવી છે. ભૂકંપ બાદ ગ્રીક વડા પ્રધાન ક્યારીકોસ મિત્સોતકિસે તુર્કીનાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને પોતાની સંવેદના અને સમર્થન આપવા માટે ફોન પર વાત કરી. બંને વચ્ચેની દુશ્મનાવટ પણ કોઈથી છુપાયેલી નથી.
તુર્કીમાં આવેલા ભૂકંપમાં 20 લોકોનાં મોત થયા છે અને 800 લોકો ઘાયલ થયા છે. ગ્રીસમાં, 2 કિશોર મૃત્યુ પામ્યા અને ડઝનેક ઘાયલ થયા છે. સામોસમાં, બંને કિશોર શાળાએથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન દિવાલની ઝપટમાં આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. ડેપ્યુટી મેયર ગિયોર્ગોસ દિયોન્યૂસિયોએ કહ્યું, ‘તે ભયાનક હતું. આ પ્રકારનો અનુભવ અમે પહેલાં ક્યારેય નથી અનુભવ્યો.
32 વર્ષીય કુરિયર બોય ગોખાન કને કહ્યું, ‘મેં વિચાર્યું, શું આ આપણો અંત છે. લગભગ 10 મિનિટ સુધી ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. એવું લાગી રહ્યું હતું કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય. તે સમયે, હું ભયભીત હતો, મારા માટે નહીં પરંતુ મારા પરિવાર માટે, મારી પત્ની અને ચાર વર્ષનો પુત્ર છે.
