કોરોના સંક્રમણના કારણે બાળકો મોબાઇલ, સોશીયલ મિડિયા અને ગેમના આદી બની ગયા છે. અનેક બાળકો તો માનિસિક બિમારીથી પણ પીડા રહ્યા છે. ગેમની દુનિયા સીવાય તેમને અન્ય કશુ જ જોવાતુ નથી. ત્યારે આવા બાળકોની વચ્ચે એક બાળક એવો છે જેણે શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કર્યા.
છેલ્લા દોઢએક વર્ષથી બાળકો ઘરમાં બંધ છે. પહેલા લોકડાઉનના કારણે અને પછી કોરોનાની બીજી લહેરના કારણે. વર્તમાન સમયમાં પણ ત્રીજી લહેરની આશંકા હોવાના કારણે બાળકો મોબાઇલ ફોન અને ટીવીની દુનિયામાં જ મસ્ત રહે છે. વા સમયનો સદઉપયોગ કરી જામનગરમાં રહેતા 8 વર્ષના બાળક ઋષિ પરસાણીયાએ શ્રીમદ ભાગવદ્ ગીતાના 700 શ્લોક મોઢે કરી બાળકોમાં રહેલી સાચી શક્તિની પરખ કરાવી છે.
માતા-પિતાના માર્ગદર્શનથી ઋષિ શીખ્યો શ્લોક
ઋષિ શ્રીમદ ભગવદ્ ગીતાનાં શ્લોક શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલે છે. તેના માતા રીનાના માર્ગદર્શનથી રોજના 8 થી 10 શ્લોક દિવસમાં 10-10 વખત બોલીને કંઠ્સ્થ કરતો હતો. ટૂંક સમયમાં જ તેણે સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કરી. એટલુ જ નહીં આ સાથે તેને બીજા સંસ્કૃતના શ્લોકો અને શ્રૃતિઓ પણ કંઠસ્થ કર્યા છે. તેને લાંબા સમય સુધી યાદ રાખવા રટણ કરવું જરૂરી બની જાય છે તેથી ઋષિ તેને યાદ રાખવા દરરોજ સાતત્યપૂર્વક પારાયણ કરે છે.
દાદાએ પણ કર્યો પ્રોત્સાહિત
ઉલ્લેખનીય છે કે, ઘરમાં ધાર્મિક વાતાવરણ પહેલાથી જ હોવાથી તેનો પ્રભાવ ઋષિ પર પડ્યો છે. ઋષિને તેના માતા-પિતા ઉપરાંત તેના દાદા પણ આ કાર્ય બાબતે સતત પ્રોત્સાહિત કરતાં હતા. જેના પરિણામે આજે ઋષિએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
મોબાઇલ,ટીવી જોવાનું ટાળ્યું.
ઋષિ ભણવામાં પણ હોશિયાર છે તેના માતા-પિતા તેને રોજ 10 શ્લોક કંઠસ્થ કરવા આપતા હતા. જે ઋષિ કરી નાખતો આથી તે લોકડાઉનના સમયમાં મોબાઇલ તેમજ ટીવી જોવાને બદલે સતત ભગવદ્ ગીતાનું પઠન કર્યું છે. જેને કારણે આજે ઋષિ 700થી વધુ શ્લોક શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલી શકે છે.
કોરોનાકાળ માત્ર મોટેરા માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ ઘણો કપરો હતો. છતા ચોથા ધોરણમાં અભ્યાસ કરતા ઋષિ જેવા બાળકે આજના ટેકનોલોજીના યુગમાં મોબાઇલ, ગેમ અને ટીવીથી દૂર રહી સમયનો સદ્ઉપયોગ કેમ કરાય તેનું એક ઉમદા ઉદાહરણ પુર્ણ પાડ્યુ છે.
