Gandhinagar News: નાણા મંત્રાલયે IFSC, ગાંધીનગર ખાતે સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કરવા માટે કંપનીઓને આકર્ષવા માટે લઘુત્તમ પબ્લિક ફ્લોટ જરૂરિયાત 25% થી ઘટાડીને 10% કરી છે. ગાંધીનગરનું ગિફ્ટ સિટી એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ, 2005 હેઠળ ભારતનું પ્રથમ IFSC છે. આર્થિક બાબતોના વિભાગે વૈશ્વિક ધોરણો સાથે સમકક્ષ IFSCની અંદર આંતરરાષ્ટ્રીય એક્સચેન્જમાં સૂચિબદ્ધ કરવા ઇચ્છતી ભારતીય કંપનીઓ માટે લિસ્ટિંગની જરૂરિયાતોને સરળ બનાવવા માટે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન નિયમો, 1956માં સુધારો કર્યો છે.
બદલાતા વૈશ્વિક નાણાકીય પ્રવાહો વચ્ચે નાણાકીય બજારના વિકાસ માટે મૂડી રોકાણ મહત્વનું પાસું છે. જે અર્થતંત્રને સંચાલિત કરે છે. આ ખ્યાલનું અમલીકરણ કરવા ગિફ્ટસિટી ખાતે IFSC (international Financial service center) કાર્યરત છે. જે દુનિયાભરના રોકાણકારો માટે ભારતના દ્વાર ખોલે છે એમ તેમણે જણાવ્યું હતું.
મંત્રાલયના અધિકારીએ ઉમેર્યું હતુ કે, ગિફ્ટ સિટીમાં હાલમાં 3 આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટોક એક્સચેન્જ, 9 વિદેશી સહિત કુલ 25 બેંક, 26 એરક્રાફ્ટ લિઝર્સ, 80 ફંડ મેનેજર્સ કાર્યરત છે. આ ઉપરાંત શિપ બિલ્ડિંગ અને લિઝિંગ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે અનુરૂપ વાતાવરણ ગિફ્ટસિટી ખાતે નિર્માણ કરાયું છે. સાથોસાથ ગિફ્ટસિટીમાં 50 જેટલા સર્વિસ પ્રોવાઈડર્સ અને 40 ફીનટેક એન્ટીટી પણ કાર્યરત છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, તાજેતરમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપતા ભારતે સ્કેનિંગ અને સ્પીડનો પર્યાય બનેલા UPI પેમેન્ટ સિસ્ટમથી 2.3 લાખ કરોડના નાણાકીય વ્યવહારનો વિક્રમ સર્જ્યો હતો. ગ્રીન રિવોલ્યુશનમાં ભારતની સક્રિય ભૂમિકા માટે જી-20 સમિટના દેશો સહમત થયા હતા અને “ગિફ્ટસિટી” આ સંકલ્પનાને સાકાર કરનારું આદર્શ સ્થાન બન્યું છે. ગિફ્ટસિટી એ વડાપ્રધાનશ્રીનું માનસ સંતાન છે અને તેના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. એટલું જ નહીં સતત માર્ગદર્શન આપી ગિફ્ટસીટીના વિકાસને તેઓ વધુ ગતિશીલ બનાવી રહ્યા છે. રોકાણકારો ગિફ્ટસિટીમાં આવી મહત્તમ લાભો મેળવે તેવું આહવાન મંત્રીશ્રીએ કર્યું હતું.