‘સરકાર’, ‘સન ઓફ સત્યમૂર્તિ’, ‘ટેમ્પર’, ‘યેવાડુ’, ‘બોમ્મારિલ્લુ’ જેવી પ્રખ્યાત ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર દક્ષિણના લોકપ્રિય અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું 13 જુલાઈના રોજ અવસાન થયું છે. આ અભિનેતા 83 વર્ષના હતા. તેમણે 10 જુલાઈના રોજ તેમનો 83મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અભિનેતા લાંબા સમયથી બીમાર હતા.
કોટા શ્રીનિવાસ રાવનું રવિવારે વહેલી સવારે હૈદરાબાદના જ્યુબિલી હિલ સ્થિત તેમના બંગલામાં નિધન થયું. કોટા શ્રીનિવાસએ તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં 750 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને 2015માં પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા.
સફળ ફિલ્મ કારકિર્દી ઉપરાંત, કોટા શ્રીનિવાસ રાજકારણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1999 થી 2004 સુધી, તેઓ આંધ્રપ્રદેશના વિજયવાડા પૂર્વના ધારાસભ્ય હતા
તેલંગાણા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓએ શ્રદ્ધાંજલિ આપી
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ભાવનાત્મક રીતે લખ્યું, ‘પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવ ગારુનું નિધન ખૂબ જ દુઃખદ છે. તેમની ગેરહાજરી ફિલ્મ ઉદ્યોગ માટે એક ન ભરી શકાય તેવું નુકસાન છે. ભલે કોટા ગારુ હવે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે ભજવેલી ભૂમિકાઓ દ્વારા તેઓ હંમેશાં તેલુગુ લોકોનાં હૃદયમાં જીવંત રહેશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે, હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
કોટા શ્રીનિવાસ રાવને શ્રદ્ધાંજલિ આપતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ લખ્યું, ‘પોતાની ભૂમિકાઓથી સિનેમા દર્શકોના દિલ જીતનારા પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન અત્યંત દુઃખદ છે. લગભગ ચાર દાયકા સુધી સિનેમા અને રંગભૂમિના ક્ષેત્રમાં તેમનું કલાત્મક યોગદાન અને તેમણે ભજવેલી ભૂમિકાઓ અવિસ્મરણીય રહેશે. ખલનાયક અને પાત્ર કલાકાર તરીકે તેમણે ભજવેલી અસંખ્ય યાદગાર ભૂમિકાઓ તેલુગુ દર્શકોના હૃદયમાં હંમેશ માટે અંકિત રહેશે. તેમનું નિધન તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે એક અપૂર્ણ નુકસાન છે. 1999માં તેમણે વિજયવાડાથી ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતી અને જનતાની સેવા કરી. હું તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.’
કોટા શ્રીનિવાસની લોકપ્રિય ફિલ્મો
કોટા શ્રીનિવાસ રાવે અલ્લુ અર્જુન સાથે ફિલ્મ ‘સન ઓફ સત્યમૂર્તિ’માં કામ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સરકાર’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હિન્દી ફિલ્મો ‘પ્રતિઘાત’, ‘રક્ત ચરિત્ર’ અને ટાઇગર શ્રોફની ‘બાગી’માં પણ ખલનાયકની ભૂમિકા ભજવી હતી.
કોટા શ્રીનિવાસ રાવ છેલ્લે 2023માં આવેલી ફિલ્મ ‘કબ્ઝા’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઉપેન્દ્ર રાવ, રાજકુમાર, કિચ્ચા સુદીપ, શ્રિયા સરન મહત્વની ભૂમિકામાં હતાં.

