વિરોધ/ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા શ્રદ્ધાળુઓમાં ગુસ્સો

મોહનથાળની એક પરંપરા પણ એવી રહી છે કે આજદિન સુધી મોહનથાળની બનાવટમાં સ્વાદનો કોઈ ફેર પડ્યો નથી ને વર્ષોથી એક જ સ્વાદમાં શુદ્ધતાની ખરાઈ સાથે વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી આવતા યાત્રિકો એક નહીં પણ અનેક બોક્સ સાથે લઈ જતા હોય છે.

Gujarat Others Trending
મોહનથાળનો પ્રસાદ
  • અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધનો વિરોધ
  • મોહનથાળ બંધના નિર્ણયનો વિરોધ કરાયો
  • હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન
  • ટ્રસ્ટને 48 કલાકનું અપાયું અલ્ટીમેટમ
  • મોહનથાળ પ્રસાદ શરુ કરવા માંગ કરાઈ

ગુજરાતના પ્રખ્યાત દેવસ્થાન અંબાજી મંદિરમાં છેલ્લાં 50 વર્ષથી એક જ પ્રકારનો પ્રસાદ મળતો હતો. આ પ્રસાદ મંદિરની ઓળખ હતી. પ્રસાદ હાથમાં જ મૂકતા અને મોઢામાં ઓગળી જાય એટલે લોકો સમજી જાય પણ કે આ અંબાજીનો પ્રસાદ છે. પંરતુ હવે અંબાજી મંદિરના આ પ્રસાદની ઓળખ ભૂંસવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. ટ્રસ્ટના આ નિર્ણયથી કરોડો માઈભક્તોની લાગણી દુભાઈ છે. તેથી હવે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગામ લોકોએ વિરોધ કર્યો છે.

અંબાજીનો પ્રસાદ અને મા અંબા ભક્તોના હૃદયમાં એકબીજા સાથે સંકળાયેલા છે. મોહનથાળનો પ્રસાદ એટલે અંબાજી અને અંબાજી એટલે મોહનથાળનો પ્રસાદ. ગુજરાત ભરમાથી અને દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ શક્તિપીઠ અંબાજી માં અંબાના દર્શને આવતા હોય છે અને અચૂક મોહનથાળનો પ્રસાદ લઈ જતા હોય છે પરંતુ આજથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જવાથી ભક્તોને નિરાશા મળી હતી અને સાથે સાથે આક્રોશ પણ હતો. છેલ્લા 40 અથવા 50 વર્ષથી આવતા માઈ ભક્તો ક્યારેય માં અંબાનો પ્રસાદ લેવાનું ચૂક્યા નથી અને આજે આ પ્રસાદ ન મળતા નિરાશા વ્યાપી હતી. ભક્તોનો આક્રોશ છે કે અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ બંધ કરી અને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવે.

મોહનથાળની એક પરંપરા પણ એવી રહી છે કે આજદિન સુધી મોહનથાળની બનાવટમાં સ્વાદનો કોઈ ફેર પડ્યો નથી ને વર્ષોથી એક જ સ્વાદમાં શુદ્ધતાની ખરાઈ સાથે વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી આવતા યાત્રિકો એક નહીં પણ અનેક બોક્સ સાથે લઈ જતા હોય છે. આ મોહનથાળના પ્રસાદની વિતરણ વ્યવસ્થા બંધ કરી અન્યપ્રસાદ વહેંચવા બાબતે કેટલાક માધ્યમોના અહેવાલના પગલે યાત્રિકોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. અંબાજી મંદિરમાં વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની એક ઓળખ સમાન બની ગયું છે. જેને નાના બાળકોથી લઈ વૃદ્ધો સહીતના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. જે મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયું છે ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનું માનવું છે કે માં અંબાના ભક્તો ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ફેલાયેલા છે અને તેઓ માં અંબા ના દર્શન કરવા આવે છે એટલે આ માઈ ભક્તો પ્રસાદ લઈ શકે અને આ પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકે તે હેતુથી ચીકીનો સુકો પ્રસાદ અંબાજી મંદિરમાં આપવાની શરૂઆત કરાઈ છે. ચીકીનો પ્રસાદ બે અથવા ત્રણ માસ સુધી બગડતો નથી અને જેને કારણે કોઈ ભક્તને ઓનલાઇન પણ પ્રસાદ મંગાવું હોય તો મંગાવી શકે છે ત્યારે સોમનાથ, તિરૂપતિ જેવા મંદિરોમાં પણ સૂકા પ્રસાદનું ચલણ છે અને તેની માંગને કારણે જ આ નિર્ણય કરાયો છે.

દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ અંબાજીની પરંપરાગત પ્રસાદી મામલે પ્રતિક્રિયા આપી છે. કાંતિ ખરાડી જણાવે છે કે, “માતાજીની પરંપરાગત પ્રસાદી ચાલતી હતી તેને અચાનક બંધ કરવામાં આવી છે અને ચીકીની જે પ્રસાદી શરુ કરી છે તે યોગ્ય નથી. મારું તે વિસ્તારના ધારાસભ્ય તરીકે માનવું છે વર્ષો જૂની પરંપરા યથાવત રાખવી જોઈએ.”

આ પણ વાંચો:રખડતા ઢોરનો આતંક, આખલાની હટફેટે આવતા ધો.1 માં અભ્યાસ કરતા માસૂમનું મોત

આ પણ વાંચો:ખોખરામાં એક જ સોસાયટીમાં 5 લોકોને કડ્યું શ્વાન, શું છે હિંસક બનવાનું કારણ

આ પણ વાંચો:4 વર્ષની બાળકીને 6 માસમાં 2 વાર શ્વાન કરડ્યું, તંત્રએ આપ્યો ઉડાઉ જવાબ

આ પણ વાંચો:ભરૂચની આગવી ઓળખ સમાન સુજની કારીગરોની જિલ્લા કલેક્ટરે શુભેચ્છા મુલાકાત લીધી