આઈઆઈટી જેવી સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક છે. શુક્રવારે IIT મદ્રાસના એક વિદ્યાર્થીની કથિત આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી કેમ્પસની હોસ્ટેલમાં રહેતો હતો.
આ માહિતી જાહેર કરતા, IIT મદ્રાસે કહ્યું કે 21 એપ્રિલ, 2023 ના રોજ બપોરે, હોસ્ટેલના રૂમમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના સ્નાતક વિદ્યાર્થીના અકાળે અવસાન વિશે જણાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે. સંસ્થાએ તેનો એક સારો વિદ્યાર્થી ગુમાવ્યો છે. વિદ્યાર્થીના મોતનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ કરી રહી છે. વાલીઓને જાણ કરવામાં આવી છે. IIT મદ્રાસ તણાવગ્રસ્ત વિદ્યાર્થીઓને સક્રિય રીતે ઓળખવા અને મદદ કરવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યું છે. અમે આ પગલાંને મજબૂત કરવાનું ચાલુ રાખીશું.
પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. ચેન્નઈ પોલીસના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું છે કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે અને આઈઆઈટી મદ્રાસ કેમ્પસમાં પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા 2 એપ્રિલે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસના પીએચડી વિદ્યાર્થીએ તમિલનાડુના વેલાચેરીમાં પોતાના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર 32 વર્ષીય વિદ્યાર્થી પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો. છેલ્લા બે મહિનામાં IIT મદ્રાસમાં આ ત્રીજો કેસ છે. માર્ચમાં પણ IIT મદ્રાસમાં ત્રીજા વર્ષના B.Techના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી.
