VADODRA NEWS/ પાંચ દિવસમાં ત્રણ વખત વડોદરાના ધક્કા ખાનારા હર્ષ સંઘવીએ પ્રજામાં આક્રોશ હોવાનું અંતે સ્વીકાર્યું

સંઘવીએ કહ્યું જેની પર લાગણી-વિશ્વાસ હોય તેના પર જ લોકો ગુસ્સો ઠાલવે

Top Stories Gujarat Vadodara

Vadodra News :  રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાંચ દિવસમાં ત્રીજીવાર વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમણે વડોદરા કલેક્ટર કચેરી ખાતે સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રીએ વડોદરા શહેરમાં ચાલતી કેશડોલ સહિતની સહાયને લઈને તમામ પ્રકારની માહિતી મેળવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ લોકોના આક્રોશ અંગે કહ્યું હતું કે ‘જેની પર લાગણી હોય, શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તેની પર જ ગુસ્સો ઠાલવી શકે છે, લોકોના ઇન્શ્યોન્સની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. વડોદરાને ઝડપથી ધબકતું કરવું છે, જેને લઈને સતત બેઠકો કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય મનીષા વકીલ અને કોર્પોરેટર બંદિશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો, આથી હર્ષ સંઘવીના વડોદરાના ફેરા વધ્યા છે.
આજે (2 સપ્ટેમ્બર) વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અનાજ કિટ વિતરણ કાર્યક્રમ માટે આવ્યા હતા. તેમણે કાર્યક્રમ સ્થળ પર જાય એ પૂર્વે દંડક બાલકૃષ્ણ શુક્લ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી, જ્યાં બાજુમાં રહેલી સોસાયટીના રહીશોએ આવીને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે સોમનાથ સોસાયટીમાં તેઓ અનાજ કિટ વિતરણ કરવા ગયા હતા ત્યાં એક રહીશે આગળ વધવાનો ઇશારો કરી દીધો હતો. લોકોની વચ્ચે જ મંત્રીએ નીચું જોઈને ચાલતી પકડી હતી.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લામાં પૂરને લઈને રાહત કામગીરી કરી રહેલા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કેશડોલ અને ઘરવખરીને લઈને આપવાની સહાય અંગે આજે રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 64,360 પરિવારને કેશડોલ આપવામાં આવી છે. વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવારને કેશડોલ આપવામાં આવી છે. કુલ મળીને વડોદરા જિલ્લામાં 84,970 પરિવારને કેશડોલ આપવામાં આવી છે. આ ઉપરાંત ઘરવખરી સહાય વડોદરામાં 5835 પરિવારને અને વડોદરા ગ્રામ્યમાં 3933 સુધી ઘરવખરી સહાય પહોંચાડવામાં આવી છે, એટલે કે, કુલ 9,768 પરિવારને ઘરવખરી સહાય પહોંચાડી દેવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની લોકોની માગણી હોય કે કોઈ ફરિયાદ હોય તો તરત જ કલેક્ટર કચેરી ખાતે નોડલ ઓફિસરને જાણકારી આપવામાં આવે, જેથી તેમના દ્વારા ટીમ મોકલીને ઘરવખરી કે કેશડોલની સહાય આપવામાં આવશે, એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેતીના સરવેની કામગીરી આજે સવારથી શરૂ થઈ ગઈ છે. ઇલેક્ટ્રિસિટી રેસ્ટોરેશનનું 99% કામ પતી ગયું છે. કોઈ ફરિયાદો આવી હોય તો આજ સાંજ સુધીમાં નવી ટીમ બનાવીને એ કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે.

તેમણે ઉમેર્યું હતું કે મેડિકલ ટીમ, પેરા મેડિકલ ટીમ, મોબાઈલ ટીમ અને જિલ્લા બહારની ટીમ ઘર ઘર જઈને સર્વે કામગીરી કરી રહી છે. આગામી 10 દિવસ સુધી આ કામગીરી ચાલતી રહેશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરજનો સાથે મળીને સાફસફાઈ ઝુંબેશ ચાલી રહી છે. સોસાયટીમાંથી આવતી સાફ-સફાઈની ફરિયાદનો ઝડપથી નિકાલ કરવામાં આવશે. આ પ્રકારે સાફ-સફાઈની કામગીરી હંમેશાં ચાલુ રહે એ માટે આયોજન કરવામાં આવે, એ માટે પણ તંત્રને પણ સૂચના આપવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે આ ઉપરાંત બીજા તબક્કામાં ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે પણ બેઠક કરવામાં આવી છે, કાગળો માટે નિયમોને લઈને લોકોને ધક્કા ના ખાવા પડે અને માનવતાનો ધર્મ અદા કરીને વધુ ને વધુ લોકોને મદદ કરી શકાય એ માટે પણ અમારી બેઠકમાં સૂચના આપવામાં આવી છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા શનિવાર અને રવિવારમાં પણ કામગીરી કરવામાં આવી છે. સરકારી ચાર ઇન્શ્યોરન્સ કંપનીઓમાં 850 જેટલા ક્લેઇમ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓમાં 650 જેટલા ક્લેઇમ આવ્યા છે. આ બધા ક્લેમઇની તાત્કાલિક પ્રોસેસ થાય એ માટે આજે સૂચના આપી દેવામાં આવી છે. બધા જ સર્વેયરની આ કંપનીઓ સાથે આજે બેઠક છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે સાંજે ફરી બેઠક બોલાવવામાં આવશે, જેમાં પાંચ ધારાસભ્ય, સંગઠનના સભ્યો, સંસ્થાના સભ્યો હશે અને આ બેઠકમાં કોઈને ગુમાસ્તા ધારાનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોય અને રિન્યુ કરવામાં તકલીફ પડતી હોય તો તેમની ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવે. અનાજની દુકાન ચલાવતા હોય, રિટેલ એસોસિયેશન સહિતનાં 15થી 20 એસોસિયેશન સાથે હું બેઠક કરવાનો છું, જેમાં તમે ખુલ્લા મને વાત રજૂ કરજો. આપણે બધા મળીને વડોદરાને ઝડપથી ધબકતું કરીશું. વિશ્વામિત્રી પ્રોજેક્ટને આપણે ઝડપથી કેવી રીતે શરૂ કરી શકીએ એના માટે પ્રતિનિધિઓને કાલે ગાંધીનગર બોલાવ્યા છે. હું આજે ઇન્શ્યોરન્સ કંપનીના ઝોનલ ઇન્ચાર્જ સાથે બેઠક કરવાનો છું અને ત્યાર બાદ હું બે-ત્રણ દિવસ બાદ વડોદરા ફરી આ બધી બાબતોના રિવ્યૂ માટે વડોદરા આવવાનો છું. આ વખતે નાગરિકોને કોઈ વાત રજૂ કરવી હશે તો એના માટે પણ સમય આપવામાં આવશે.

પૂરગ્રસ્ત લોકો અંગે તેમણે જણાવ્યું હતું કે લોકોને તકલીફ વેઠવી પડી, આ અતિભારે વરસાદના કારણે વડોદરામાં ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ, આ એ લોકો છે, જેમને તકલીફોનો સામનો કરવો પડ્યો અને કોઈ વ્યક્તિ જેની પર લાગણી હોય, શ્રદ્ધા હોય, જેની પર વિશ્વાસ હોય, તેની પર જ ગુસ્સો ઠાલવી શકે છે. એ એની ફરિયાદ તેમને જ કરી શકે છે. કોઈ વ્યક્તિ તેની તકલીફ ઠાલવે તેનો ગુસ્સો કે આક્રોશ તમે નેગેટિવ-વેમાં ન ગણી શકો. તેની તકલીફ છે અને એ નિવારવા માટે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહે છે.

તેમણે કહ્યું હતું કે દૂષિત પાણીનો કોઈ પ્રશ્ન તમારી પાસે આવે તો અમારા સુધી પહોંચાડજો. અમે એનું નિવારણ લાવીશું. આ ઉપરાંત ગણપતિ ઉત્સવમાં ડીજે પર પ્રતિબંધ અંગે જણાવ્યું હતું કે ખૂબ જ ઉત્સાહથી તહેવાર મનાવવામાં આવશે. હું પોતે બે દિવસ ગણપતિ ઉત્સવમાં વડોદરા આવવાનો છું. મંડળોમાં જવાનો છું. વડોદરાના ખૂણે ખૂણે ગણપતિબાપા મોરિયાના નારા લાગશે, એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નારા લાગે એમાં શા માટે તકલીફ હોઈ શકે. લોકો ઉત્સાહપૂર્વક વગાડી શકે છે એમાં કોઈ તકલીફ નહીં પડે.

ગત ગુરુવારે સવારે વડોદરા શહેરના કોયલી ફળિયામાં કાંસમાં તણાઇ ગયેલા યુવાનના પરિવારને સાંત્વના આપવા ગયેલા વડોદરા શહેર વાડી વિધાનસભા મતવિસ્તારનાં ધારાસભ્ય મનીષા વકીલને સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. વડોદરામાં પૂર અને ભારે વરસાદને કારણે કોયલી ફળિયામાં કેડ સમાં પાણી ભરાઇ ગયાં હતાં. સ્થાનિક લોકો દ્વારા પાણીનો નિકાલ કરવા માટે વરસાદી કાંસની ગટરનું ઢાંકણું ખોલવામાં આવ્યું હતું. એ ખુલ્લા કાંસમાં કોયલી ફળિયામાં રહેતા લસણનો વ્યવસાય કરતો મુકેશ પરમાર (29) તણાઇ ગયો હતો. કાંસમાં તણાઇ ગયેલા યુવાનનો પત્તો મળ્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં મોટાપાયા પર ફેરફારના સંકેત

આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય

આ પણ વાંચો: રાજકોટમાં લોકદરબારનું આયોજન…’અહીં રાજકારણ ન કરવું’ કોણે આવું કહ્યું