Surat News/ સુરત સચિન GIDCમાં એલ્યુમિનિયમ ફેક્ટરીમાં દુર્ઘટના: ત્રીજા માળેથી પટકાતા મહારાષ્ટ્રના શ્રમિક યુવકનું મોત

સુરત Sachin GIDCની એલ્યુમિનિયમ ફેક્ટરીમાં ત્રીજા માળેથી પટકાતા મહારાષ્ટ્રના શ્રમિક યુવક રવિન્દ્ર પાડવીનું મોત થયું. ત્રણ બહેનોના એકમાત્ર ભાઈના મોતથી પરિવાર શોકમાં ગરકાવ.

Top Stories Gujarat Surat Breaking News
Sachin GIDC ની એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કરુણ ઘટના, મહારાષ્ટ્રના યુવકનો જીવ ગયો

Surat News: શહેરના Sachin GIDC વિસ્તારમાં આવેલી એક એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ દરમિયાન બનેલી દુર્ઘટનામાં એક શ્રમિક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. ત્રીજા માળેથી નીચે પટકાતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પહેલા પરિવારના એકમાત્ર કમાઉ સભ્યના અવસાનથી પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે.

Sachin GIDCની ફેક્ટરીમાં કામ કરતી વખતે બની દુર્ઘટના

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સુરતના Sachin GIDC  વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવક એલ્યુમિનિયમ ફેક્ટરીમાં નોકરી કરતા હતા. રોજિંદા કામકાજ મુજબ રાત્રિના સમયે તેઓ ફેક્ટરીના ત્રીજા માળે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પગ લપસતા અથવા સંતુલન ગુમાવતા તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા.ત્રીજા માળેથી નીચે પટકાવાના કારણે રવિન્દ્રને માથા સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સારવાર દરમિયાન યુવકનું મોત

ઘટના બાદ ફેક્ટરીમાં કામ કરતા અન્ય કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. સાથી કામદારોએ તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી.ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત રવિન્દ્રને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ત્રણ બહેનોના એકમાત્ર ભાઈનું મોત

રવિન્દ્રના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવાર માટે રવિન્દ્ર એકમાત્ર કમાઉ આધાર હતો. મૃતક યુવક ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. થોડા જ દિવસોમાં આવનારા રક્ષાબંધન પર્વને લઈને બહેનો પોતાના ભાઈ માટે ખુશીઓની તૈયારી કરી રહી હતી, પરંતુ અકસ્માતે પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ.

Sachin GIDC: પરિવારને સહાય અને તપાસ જરૂરી

આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. ઊંચાઈ પર કામ કરતી વખતે જરૂરી સુરક્ષા સાધનો અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ પણ જરૂરી બની છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:સુરતમાં કરુણ ઘટના: સચિન GIDCમાં પાણી ભરેલી ડોલમાં પડી માસૂમ બાળકીનું મોત

આ પણ વાંચો:સુરતના સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગ: ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહી

આ પણ વાંચો:સુરતના સચિન GIDCમાં કેમિકલ વેરહાઉસમાં ભીષણ આગ, 30થી વધુ બ્લાસ્ટથી વિસ્તારમાં દહેશત