Firing In Thailand School Shooting Incident: થાઈલેન્ડમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજધાની બેંગકોક નજીક આવેલી એક સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જ્યારે એક શિક્ષકના મોતની પણ માહિતી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર સ્કૂલને સુરક્ષા ઘેરામાં લઈ લેવામાં આવી હતી.
વિદ્યાર્થીએ જ સ્કૂલમાં ગોળીબાર કર્યો
માહિતી મુજબ, નોનથાબુરી પ્રાંતના બેંગ ક્રુઆઈ વિસ્તારમાં આવેલી એક શાળામાં એક વિદ્યાર્થી અચાનક હથિયાર સાથે પહોંચ્યો અને ગોળીબાર (Thailand School Shooting) શરૂ કર્યો. ગોળીબાર થતાં જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે દોડધામ મચી ગઈ. સુરક્ષા કર્મચારીઓએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. પોલીસ અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે આરોપીની ઓળખ વિદ્યાર્થી તરીકે થઈ છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

રેસ્ક્યૂ ઓપરેશન ઝડપથી શરૂ કરાયું
ગોળીબાર(Thailand School Shooting) બાદ એમ્બ્યુલન્સ અને બચાવ દળોએ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરો અને વીડિયોમાં બચાવકર્મીઓ સ્ટ્રેચર પર ઘાયલોને લઈ જતા જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા સ્કૂલ પરિસરને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે અને દરેક ખૂણાની તપાસ ચાલી રહી છે, જેથી કોઈ અન્ય જોખમ ન રહે.
પહેલાં પણ બની ચૂક્યો છે આવો બનાવ
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ દક્ષિણ થાઈલેન્ડના(Thailand School Shooting) હાટ યાઈ વિસ્તારમાં આવેલી એક શાળામાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક શિક્ષકનું મોત થયું હતું અને એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તાજેતરની ઘટના બાદ ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
હાલ અધિકારીઓ દ્વારા ઘાયલોની ચોક્કસ સંખ્યા અને ઘટનાના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:અમેરિકામાં બર્થરાઇટ સિટીઝનશિપના નિયમો કડક; ટ્રમ્પે જાહેર કર્યા નવા આદેશ
આ પણ વાંચો:બાંગ્લાદેશમાં શાકિબ અલ હસનના મગુરા સ્થિત ઘરને બનાવ્યું નિશાન, પેટ્રોલ બોમ્બ ફેંક્યા
આ પણ વાંચો:ટ્રમ્પ પ્રશાસનનો સકંજો; ભારતીય વિદ્યાર્થીઓના F-1 વિઝામાં 62% નો ઘટાડો, OPT પર સંકટ
