Shakib Al Hasan Magura House Attacked News: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અવામી લીગના પૂર્વ સાંસદ શાકિબ અલ હસનના મગુરા સ્થિત નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલો મુજબ, આ ઘટના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં શાકિબની હાજરીના થોડા કલાકો બાદ બની હતી. હુમલા દરમિયાન કેટલાક લોકોએ ઘરની બારીઓમાં પથ્થરમારો કર્યો અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. જોકે, ઘટનાના સમયે ઘર ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
પથ્થરમારો બાદ આગ લગાવવાનો પ્રયાસ
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, હુમલો રાત્રે લગભગ 8:45થી 9 વાગ્યાની વચ્ચે થયો હતો. હુમલાખોરોએ ઘરની બારીઓ તોડી નાખી હતી અને આગ લગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોરો કોલ્ડડ્રિંકની બોટલોમાં જ્વલનશીલ પદાર્થ ભરીને લાવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો અને વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
હુમલા સમયે શાકિબ દેશની બહાર હતા
હુમલા સમયે શાકિબ અલ હસન(Shakib Al Hasan) બાંગ્લાદેશમાં હાજર નહોતા. અહેવાલો અનુસાર, તેઓ હાલ શ્રીલંકામાં છે. તેથી આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યા છે.

રાજકારણમાં આવ્યા પછી પણ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું
શાકિબ અલ હસને(Shakib Al Hasan) અવામી લીગ તરફથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા બાદ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને વિવિધ ટી-20 લીગમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, વર્ષ 2024માં બાંગ્લાદેશમાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન અને રાજકીય ઉથલપાથલ દરમિયાન તેમની રાજકીય ભૂમિકાને લઈને તેમની ટીકા થઈ હતી. વિવાદ દરમિયાન તેઓ જાહેરમાં કોઈ સ્પષ્ટ નિવેદન ન આપતા વિરોધીઓએ તેમના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
રાજકીય સંકટ બાદ અનેક કેસ અને હુમલાઓ
શેખ હસીનાની સરકાર સત્તા પરથી હટ્યા બાદ બાંગ્લાદેશમાં અવામી લીગ સાથે જોડાયેલા અનેક નેતાઓ અને પૂર્વ સાંસદોના ઘરો પર હુમલાની ઘટનાઓ સામે આવી હતી. શાકિબ અલ હસન (Shakib Al Hasan)નું મગુરા સ્થિત ઘર પણ તે નિશાનામાં સામેલ હતું. ત્યારબાદ તેમના વિરુદ્ધ વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલા એક વ્યક્તિના મોતના કેસ સહિત અનેક ગુનાહિત કેસ નોંધાયા હતા. જોકે, તે સમયે પણ તેઓ દેશની બહાર હોવાથી તેમની ધરપકડ થઈ શકી નહોતી.
આ પણ વાંચો:દક્ષિણ કોરિયા નૌસેનાનો કમાલ; AI ટેકનિકથી સમુદ્રમાં માઇન શોધવામાં મળી સફળતા
આ પણ વાંચો:લાઈવ બ્રોડકાસ્ટમાં ઊંઘી ગયા ન્યૂઝ એન્કર; સોશિયલ મીડિયા પર મળ્યો જબરદસ્ત સપોર્ટ
આ પણ વાંચો:ઇજિપ્તમાં ભૂકંપના આંચકાથી ધ્રુજી ધરા; રિક્ટર સ્કેલ પર 5.4 રહી તીવ્રતા
