Rajkot BJP Ticket Issue: મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલાં જ રાજકોટ ભાજપમાં મોટો ભડકો જોવા મળી રહ્યો છે. ટિકિટ વહેંચણીને લઈને પક્ષમાં આંતરિક ઘર્ષણ ચરમસીમાએ પહોંચી ગયું છે. ખાસ કરીને OBC (અન્ય પછાત વર્ગ) ના પ્રાધાન્ય અને ટિકિટ માટે રમાઈ રહેલા આર્થિક દાવપેચને કારણે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. જ્ઞાતિ સમીકરણો સંતોષવા એ હાલમાં ભાજપ હાઈકમાન્ડ માટે સૌથી મોટો પડકાર બની ગયો છે.
‘OBC એટલે માત્ર આહીર નહીં’
રાજકોટ ભાજપની આંતરિક બેઠકોમાં હવે ખુલ્લેઆમ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. ભાજપમાં આહીર સમાજના વર્ચસ્વને લઈને OBC વર્ગની અન્ય જ્ઞાતિઓમાં ભારે અસંતોષ ભભૂકી રહ્યો છે અને બેઠકોમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે, “OBC એટલે માત્ર આહીર નહીં.” ગત ચૂંટણીના આંકડા સામે આ વખતે આહીર સમાજ દ્વારા ભાજપ પાસે ૧૦ જેટલી ટિકિટોની ઉગ્ર માંગ કરવામાં આવી છે. જોકે, એક જ સમાજની આટલી મોટી માંગણીના કારણે પક્ષમાં ભારે ખેંચતાણ ઉભી થઈ છે અને અન્ય પછાત વર્ગો પોતાની બાદબાકી થવાના ડરથી નારાજ જોવા મળી રહ્યા છે.
ટિકિટ માટે આર્થિક દાવપેચ અને વોર્ડ બદલવાની હોડ
રાજકોટ ભાજપમાં ટિકિટ મેળવવા માટે માત્ર જ્ઞાતિવાદ જ નહીં, પરંતુ આર્થિક દાવપેચ પણ રમાઈ રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ટિકિટ માટે દાવેદારો દ્વારા લાલચ અપાતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. કેટલાક નેતાઓ પોતાની જીત નિશ્ચિત કરવા માટે ઉમેદવારીના વોર્ડ પણ બદલી રહ્યા છે, જેના કારણે સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ છે.
ઘનશ્યામ હેરભા અને ધર્મેન્દ્ર જળું ના નામ રેસમાં સૌથી આગળ
આ તમામ વિવાદો વચ્ચે અમુક નામો ટિકિટની રેસમાં સૌથી મજબૂત મનાઈ રહ્યા છે, જેમાં ઘનશ્યામ હેરભાનું નામ વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 2 માટે પેનલમાં સૌથી મજબૂત મનાઈ રહ્યું છે અને પક્ષ તેમના પર મોટો દાવ ખેલી શકે છે. બીજી તરફ, ધર્મેન્દ્ર જળુંને ટિકિટ આપવા માટે સ્થાનિક લોકો અને સમર્થકો દ્વારા પક્ષ પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ટિકિટ ફાળવણીમાં તણાવ વધુ વકર્યો છે.
ટિકિટ માટેનો આ કકળાટ અને ‘જ્ઞાતિ સમીકરણ’ નો આ કોયડો જો સમયસર ઉકેલવામાં નહીં આવે, તો ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થયા બાદ રાજકોટ ભાજપમાં મોટો બળવો થવાની શક્યતા રાજકીય પંડિતો જોઈ રહ્યા છે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ! 10 હજારથી વધુ બેઠકો માટે ફોર્મ ભરાવવાના શરૂ
આ પણ વાંચો:ઉમરેઠની પેટાચૂંટણીમા ધારાસભ્યના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વચ્ચે જંગ
આ પણ વાંચો:“2027માં બદલો લેશે કોળી સમાજ!” નવનીત બાલધિયાને કડક ચીમકી
