National News/ કોકરોચ જનતા પાર્ટી ની 12 સભ્યોની કારોબારી જાહેર, દેશના ચારેય ખૂણે સંગઠન ફેલાવવાની તૈયારી

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ 12 સભ્યોની રાષ્ટ્રીય કારોબારી સમિતિની જાહેરાત કરી છે. અભિજીત દીપકે નેશનલ કન્વીનર બન્યા છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
CJP

Cockroach Janata Party National Executive Committee Formed:  દેશમાં નવી રાજકીય પહેલ તરીકે ઉભરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)એ પોતાની પ્રથમ રાષ્ટ્રીય કારોબારી સમિતિની જાહેરાત કરી છે. બે દિવસ સુધી ચાલેલી બેઠક બાદ પાર્ટીએ 12 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ બેઠક દરમિયાન પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા અને આગામી મહિનાઓની કાર્યયોજનાને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેને રાષ્ટ્રીય સંયોજક (નેશનલ કન્વીનર) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

અભિજીત દીપકેને મળી સૌથી મોટી જવાબદારી

પાર્ટીની જાહેરાત મુજબ, અભિજીત દીપકે સમગ્ર સંગઠનનું નેતૃત્વ સંભાળશે. જ્યારે સૌરવ દાસને મુખ્ય પ્રવક્તા તેમજ સહ-સંયોજક અને આશુતોષ રાંકાને પ્રવક્તા સાથે સહ-સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત સંગઠન, મીડિયા, કાનૂની બાબતો, સંશોધન, ટેક્નોલોજી અને નાણાકીય વ્યવસ્થા માટે અલગ-અલગ હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે.

CJP

હાલ રાજકીય પક્ષ નહીં, પહેલા ગ્રાઉન્ડ લેવલ પર કામ

અભિજીત દીપકેએ જણાવ્યું કે હાલમાં CJPને સત્તાવાર રાજકીય પક્ષ તરીકે નોંધાવવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી છ મહિનામાં દેશભરના રાજ્યોમાં સ્ટેટ કો-ઓર્ડિનેશન કમિટીઓ બનાવવામાં આવશે અને ઓનલાઈન સભ્યપદ અભિયાન શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, યુવાનો, પ્રોફેશનલ્સ અને કામદારોને સંગઠન સાથે જોડવાનો મુખ્ય પ્રયાસ રહેશે. પાર્ટીનું માનવું છે કે પહેલા જનસમર્થન મજબૂત કરવું જરૂરી છે અને ત્યારબાદ રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ અંગે નિર્ણય લેવામાં આવશે.

12 સભ્યોની કારોબારી સમિતિ તૈયાર

પાર્ટીની નવી કારોબારીમાં સંગઠન, મીડિયા, કાનૂની સલાહ, રિસર્ચ, ટેક્નોલોજી અને ફાઈનાન્સ જેવા વિભાગો માટે અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. પાર્ટીનો દાવો છે કે તેનો ઉદ્દેશ્ય દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારોમાં પોતાનું સંગઠન ઉભું કરવાનો છે.

વિદ્યાર્થી આંદોલનથી મળી ઓળખ

CJPને સૌથી વધુ ઓળખ વિદ્યાર્થી આંદોલન દરમિયાન મળી હતી. NEET પરીક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને યુવાનોને સંગઠિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આંદોલન દરમિયાન અનેક સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ત્યારબાદ પાર્ટીએ દેશભરમાં પોતાનું સંગઠન વિસ્તરવાનું અભિયાન શરૂ કર્યું.

હાલ કોકરોચ જનતા પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા અને વિવિધ રાજ્યોમાં પોતાની હાજરી નોંધાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આગામી મહિનાઓમાં સભ્યપદ અભિયાન અને રાજ્યસ્તરીય સમિતિઓની રચના બાદ પાર્ટી પોતાના આગામી રાજકીય પગલાં અંગે નિર્ણય લઈ શકે છે.


આ પણ વાંચો : ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન 14મા દિવસે, CJPનું સમર્થન; આજે વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો :CJPના પ્રવક્તા સૌરભ દાસના યુટ્યુબર્સ પર ગંભીર આરોપ; કહ્યું- ‘મારા ઘરની પ્રાઇવેસીનું ઉલ્લંઘન થયું

આ પણ વાંચો :‘મારે MP કે MLA નહીં બનવું!’ CJP સ્થાપક અભિજીત દિપકેનો મોટો ખુલાસો