Jharkhand Student Protest Updates: ઝારખંડમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિના આરોપોને લઈને ચાલી રહેલું વિદ્યાર્થી આંદોલન હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે. રાંચીના જયપાલ સિંહ મુન્ડા સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ છેલ્લા 14 દિવસથી સતત ધરણા પર બેઠા છે. ભારે વરસાદ છતાં આંદોલન ચાલુ રાખનારા વિદ્યાર્થીઓને હવે દેશના વિવિધ વિસ્તારોમાંથી સમર્થન મળી રહ્યું છે. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા વરસાદમાં ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓ માટે રેનકોટ મોકલવામાં આવ્યા છે. પાર્ટીના નેતાઓ પણ આજે રાંચી પહોંચી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને તેમનું સમર્થન વ્યક્ત કરશે.
વિદ્યાર્થીઓની મુખ્ય માંગ યથાવત, સરકાર સાથે ચર્ચા અટકી
વિદ્યાર્થીઓ 14મી JPSC સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા રદ કરવાની અને સમગ્ર મામલાની તપાસ CBI અથવા રાજ્ય બહારના નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશોની સ્વતંત્ર સમિતિ દ્વારા કરાવવાની માંગ કરી રહ્યા છે. ગુરુવારે મોડી રાત્રે વહીવટી તંત્ર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, પરંતુ પ્રતિનિધિમંડળની રચના મુદ્દે સહમતિ ન બનતા ચર્ચા કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી નહોતી. વિદ્યાર્થીઓ પોતાના 11 સભ્યોના પ્રતિનિધિમંડળમાં એક પત્રકાર અને એક વકીલને પણ સામેલ કરવાની માંગ પર અડગ રહ્યા હતા, જ્યારે સરકારે માત્ર વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે જ ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હતી.
ભૂખ હડતાળ, રાજકીય સમર્થન અને CIDની કાર્યવાહી(Protest)
આંદોલન (Protest) સ્થળે હાલમાં 6 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠા છે અને તેમની તબિયતને લઈને પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. વિદ્યાર્થી નેતા રવિન્દ્ર પાસવાનના જણાવ્યા મુજબ, વહીવટી અધિકારીઓએ સકારાત્મક અભિગમ બતાવ્યો હતો, પરંતુ ચર્ચા માટે કોઈ નિશ્ચિત સમય જાહેર કરવામાં આવ્યો નથી. બીજી તરફ, આ મુદ્દાની અસર હવે વિધાનસભા સુધી પહોંચી છે, જ્યાં વિપક્ષે CBI તપાસની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. મુખ્યમંત્રી હેમંત સોરેને સરકાર ચર્ચા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.
આ દરમિયાન પરીક્ષામાં કથિત ગેરરીતિની તપાસ કરી રહેલી CIDએ અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી છે. ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોની તબિયત બગડતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે(Protest) તેમને ફોન કરીને ઓછામાં ઓછું પાણી પીવાની અપીલ કરી હતી. હવે સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે થનારી આગામી બેઠક તેમજ ભરતી પરીક્ષા અંગે લેવાતા નિર્ણય પર સૌની નજર ટકેલી છે.
