Arvalli news/ મોડાસા-શામળાજી હાઈવે પર ‘ફેમિલી સ્પા’ની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ

Aravalli પોલીસે મોડાસા-શામળાજી હાઈવે પર એક ફેમિલી સ્પામાં ડમી ગ્રાહક મોકલી દેહવ્યાપારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સંચાલક મહિલા સહિત 4 ની અટકાયત.

Gujarat Top Stories Others
Aravalli Modasa Shamlaji Road Spa Raid

Aravalli Modasa Shamlaji Road Spa Raid: અરવલ્લી જિલ્લામાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતી ગેરકાયદેસર તથા અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મોડાસા-શામળાજી હાઈવે પર આવેલા એક જાણીતા ‘ફેમિલી સ્પા’માં પોલીસે ગ્રાહકોના સ્વાંગમાં ઓપરેશન પાર પાડીને હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સ્પાની આડમાં ચાલતા આ કૂટણખાના પર ત્રાટકેલી પોલીસે સંચાલક મહિલા સહિત કુલ ચાર યુવતીઓની ઘટનાસ્થળેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Aravalli: રિલેક્સેશનના નામે ચાલતી હતી પાપલીલા

મળતી માહિતી અનુસાર, મોડાસા-શામળાજી રોડ પર આવેલા આ ફેમિલી સ્પામાં ગ્રાહકોને રિલેક્સેશન આપવાના બહાને દેહવ્યાપારનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાની ગુપ્ત અને સચોટ માહિતી પોલીસને મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સ્પાના સંચાલકો દ્વારા બહારના રાજ્યો અથવા અન્ય મોટા શહેરોમાંથી યુવતીઓને ઉંચી કમાણીની લાલચ આપી અહીં બોલાવવામાં આવતી હતી અને ત્યારબાદ ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલીને દેહવ્યાપારના દળદળમાં ધકેલવામાં આવતી હતી.

પોલીસે ડમી ગ્રાહક મોકલી ગોઠવી જાળ

આ અનૈતિક પ્રવૃત્તિનો પાકા પાયે પર્દાફાશ કરવા માટે અરવલ્લી પોલીસે એક ચોક્કસ વ્યૂહરચના બનાવી હતી. પોલીસે સ્પામાં એક ડમી ગ્રાહક (પન્ટર) મોકલ્યો હતો. આ ડમી ગ્રાહકે સ્પાની અંદર જઈને સંચાલકો સાથે યુવતી માટે નાણાંની લેવડદેવડ પૂર્ણ કરી અને જેવો જ બહાર ઈશારો કર્યો, કે તરત જ નજીકમાં ટાંપીને ઉભેલી પોલીસની ટીમે સ્પા પર અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસની આ અણધારી રેડથી સ્પાની અંદર નાસભાગ મચી ગઈ હતી.

વાંધાજનક સામગ્રી અને રોકડ જપ્ત

પોલીસે ઘટનાસ્થળેથી કૂટણખાનું ચલાવતી મુખ્ય મહિલા સંચાલક અને અન્ય ત્રણ યુવતીઓ સહિત કુલ ચાર મહિલાઓની અટકાયત કરી છે. રેડ દરમિયાન પોલીસે સ્પામાંથી રોકડ રકમ તેમજ અન્ય વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સ્થાનિક પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધીને આ રેકેટના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે અને આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાઈવે પર આ પ્રકારે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


આ પણ વાંચો: ઈન્દોરમાં પકડાયો સેક્સ રેકેટ, કોરોના વાયરસથી સંક્રમિત નીકળતા મચ્યો હડકંપ

આ પણ વાંચો: વડોદરાઃ ઘરમાં ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

આ પણ વાંચો: ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે આખા ગામનું ધર્માંતરણ થતાં ચકચાર