@અમિત રૂપાપરા
દિવ્યાંગ બાળકો માનસિક રીતે મજબૂત બને તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં DEIC કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને આ સેન્ટરની અંદર દિવ્યાંગ બાળકોમાં માનસિક રીતે બદલાવ આવે અને તેમાં સેન્સર ડેવલોપ કરી શકાય એટલા માટે કૃત્રિમ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે માનસિક રીતે દિવ્યાંગ અને શારીરિક નબળા બાળકો માટે જે DEIC કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે તે કેન્દ્રમાં દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી પણ દિવ્યાંગ બાળકો સારવાર લેવા માટે આવે છે.
નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2018માં DEIC થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને આ સેન્ટરમાં 2018 થી અત્યાર સુધી 50,000 કરતાં પણ વધારે બાળકોએ સારવાર લીધી છે અને તેઓ જે પરિસ્થિતિમાં સારવાર લેવા માટે આવતા હતા તેનાથી તંદુરસ્ત થઈને પોતાના ઘરે પરત પણ ફર્યા છે.
મહત્વની વાત છે કે જે બાળકો શારીરિક રીતે ચાલી શકતા નથી અને માનસિક રીતે દિવ્યાંગ હોય તેવા બાળકોને આ સેન્ટરમાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આવા બાળકોને અલગ અલગ એક્ટિવિટી રમતગમતની સાથે કરાવી શકાય એટલા માટે આ સેન્ટરમાં એક કૃત્રિમ ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યું છે. કારણ કે ડોક્ટરોનું માનવું છે કે બાળકોમાં રમતગમત સાથે માનસિક વિકાસ પણ થાય છે. આ સેન્ટરમાં પ્રતિદિન 40થી 45 જેટલા બાળકો સારવાર લેવા માટે આવે છે અને ઘણા બાળકો આ સેન્ટરમાં સારવાર લીધા બાદ સાજા પણ થઈ જાય છે.
ડોક્ટરોનું કહેવું છે કે બાળકોને જ્યારે હીચકા ખવડાવવામાં આવે છે ત્યારે તેમના કાનમાં ફ્લડ વહેતું હોય છે. આ પાણી જેવું પ્રવાહી દરેક લોકોના કાનમાં હોય છે અને જ્યારે લોકો હીચકા ખાય છે ત્યારે વ્યક્તિનું માઈન્ડ પણ સ્વિંગ થતું હોય છે. તેના જ કારણે માનસિક અને શારીરિક રીતે તેમનો વિકાસ પણ થતો હોય છે. શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ બાળકો મોટાભાગે પબ્લિક ગાર્ડનમાં અન્ય બાળકોની સાથે રમતા નથી અને આવા બાળકોને ગાર્ડનમાં લઈ જતા તેમના માતા પિતા પણ ગભરાતા હોય છે. એટલા માટે જ નવી સિવિલ હોસ્પિટલમાં 2018 થી કાર્યરત DEIC થેરાપી સેન્ટરમાં એક કૃત્રિમ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે અને આ ગાર્ડનમાં દિવ્યાંગ બાળકો પણ અન્ય બાળકોની જેમ જ રમત રમે છે અને બાળકોને આ પ્રકારની એક્ટિવિટીના કારણે તેમની માનસિક સ્થિતિમાં પણ સુધાર થયો છે.
આ પણ વાંચો:બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત
આ પણ વાંચો:રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા
આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર