Ashok Kharat Viral Video Case: કેપ્ટન અશોક ખરાત નામના ઢોંગી બાબાના વાયરલ થયેલા અશ્લીલ વીડિયોએ પીડિત પરિવારોની મુશ્કેલીઓમાં તોતિંગ વધારો કર્યો છે. આ ઘટના બાદ પીડિતાઓના પરિવારો અત્યંત માનસિક તણાવમાં જીવી રહ્યા છે. બદનામી એટલી હદે વધી ગઈ છે કે એક પીડિતાના સંબંધીએ ઓફિસ જવાનું બંધ કરી દીધું છે અને હવે ઘરેથી કામ (Work From Home) કરવાની પરવાનગી માંગી છે.
Ashok Kharatના વાયરલ વીડિયોને કારણે પરિવારો મુશ્કેલીમાં
વાયરલ વીડિયોને કારણે પરિવારો સામાજિક રીતે એકલવાયા પડી ગયા છે. પીડિતાના સંબંધીઓએ જણાવ્યું કે, વીડિયો સામે આવ્યા બાદ તેઓને સતત અજાણ્યા ફોન કોલ્સ આવી રહ્યા છે, જેનો જવાબ આપવો પણ મુશ્કેલ બની ગયો છે. આ કૌભાંડે આખા પરિવારને માનસિક રીતે તોડી નાખ્યો છે.
સાક્ષીઓ આગળ આવતા ડરે છે
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા અને અશ્લીલ વેબસાઇટ્સ પર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આનાથી માત્ર પીડિતાઓની પ્રાઈવસી (નિજતા) નો ભંગ નથી થયો, પરંતુ સંભવિત સાક્ષીઓ પણ બદનામીના ડરે સામે આવતા અટકાઈ રહ્યા છે. પરિણામે પોલીસ તપાસ પર પણ માઠી અસર પડી રહી છે.
170 વેબસાઇટ્સ પરથી વીડિયો દૂર કરવામાં આવ્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 170 થી વધુ વેબસાઇટ પરથી આ વાંધાજનક વીડિયો દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અનેક મીડિયા પ્લેટફોર્મ અને ન્યૂઝ ચેનલોને પણ નિયમોના ભંગ બદલ નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર કાર્યવાહી ચાલુ હોવા છતાં, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્રાઇવેટ પ્લેટફોર્મ પર વીડિયોનો ફેલાવો રોકવો એ પોલીસ માટે એક મોટો પડકાર બની રહ્યો છે.
નાસિક સાયબર સેલની કાર્યવાહી
હાલમાં આ સમગ્ર મામલાની તપાસ નાસિક સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહી છે. અનેક પીડિતાઓએ અશોક ખરાત વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધાવી છે. પોલીસ સતત તે વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખી રહી છે જે આ વીડિયોને શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે નિશિકાંત દુબેને આપી સલાહ
આ પણ વાંચો:સીએમ બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- બદલાની નહીં, પરિવર્તનની રાજનીતિ કરો
