દેશમાં પ્રથમ બીન કોંગ્રેસી સરકાર ભલે ટુંકા ગાળા માટે ૧૯૭૭માં કટોકટીનો કાળો કાળ પૂર્ણ થયા બાદ રચાઈ હોય પરંતુ ત્યારબાદ ફરી કોંગ્રેસી અને રાજકારણની ભાષામાં કહેવાય છે તે ખીચડી સરકારનું શાસન હતું જાે કે ૧૯૯૮માં થોડા સમય માટે અને ૧૯૯૯ની ચૂંટણી બાદ સતત પાંચ વર્ષ માટે દેશે એક મેઘાવી વ્યક્તિત્વના વડાપ્રધાન પદ હેઠળ ભાજપ એન.ડી.એ.ની સરકારનો અનુભવ કર્યો. જે પ્રજા આજે પણ ભૂલી શકી નથી. સારા શાસન એટલે કે સુશાસન તરીકે યાદ કરે છે. આ મેઘાવી વ્યક્તિત્વ હતું ભારતના નવમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી. અટલજી શાસન પર આવ્યા બાદ દેશના દરેક પ્રશ્નો આફતોને સંવેદનશીલતા અને માનવીય અભિગમથી સમજી તેના નિકાલ માટેનો પ્રયાસ કર્યો. અટલજી ભલે ગઠબંધનની સરકાર ચલાવતા હતા પરંતુ તેમણે સુશાસનને જ પોતાનો પર્યાય બનાવ્યો હતો. પ્રારંભ કાળે બે અધુરા રહી ગયેલા અણુ અખતરા કરીને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો તો પાકિસ્તાન સાથે શીખરમંત્રણા યોજી સંબંધો સુધાર્યાઅને કારગીલમાં જ્યારે પાકિસ્તાને અવળચંડાઈ કરી ત્યારે તેને બરાબર પાઠ પણ બમાવ્યો આજે પણ આપણે કારગીલ વિજયને ઉજવીએ છીએ.

અટલજીએ ૨૦૦૯થી ૨૦૧૪ દરમ્યાન લોકોને સાચા અર્થમાં સુશાસનનો અનુભવ કરાવ્યો. ૨૦૧૪માં તેઓ જે જીવન જરૂરી ચીજાેની ઘટેલા ભાવ સપાટી મુકીને ગયા હતા તે બાબત જ આનો જીવંત પૂરાવો છે. ૨૦૦૧માં કચ્છ સહિત ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને કચ્છમાં ભારે તારાજી થઈ તેવે સમયે જાતે કચ્છ દોડી જઈ લોકોને સધિયારો અને સહાય આપવાની સાથે કચ્છની ખૂમારીને પણ જાગૃત કરી. જ્યારે ગુજરાતના ૨૦૦૨ના રમખાણો બાબતમાં પણ તેમણે વાસ્તવિક અને માનવીય વલણ અપનાવીને રમખાણો તો શાંત પાડવામાં રાજ્ય સરકારને પ્રેરણા અને માર્ગદર્શન પુરૂ પાડ્યું.

અટલજી એક દિવસ દેશના વડાપ્રધાન બનશે તેવી આગાહી બીજા કોઈએ નહિ પણ પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરૂએ કરી હતી. અને ૧૯૫૬માં કરેલી આગાહી ૧૯૯૮-૯૯માં સાચી પડી હતી. જનસંઘ (વિપક્ષ)ના પ્રભાવશાળી નેતા તરીકે તેમણે જે પ્રતિભા ઉભી કરી તેનો આ પૂરાવો છે. જ્યારે ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુધ્ધ વખતે રામલીલા મેદાનમાં યોજાયેલી જાહેરસભામાં તેમણે નિખાલસતા અને મક્કમતા સાથે કહ્યું હતું કે અત્યારે કોઈ પક્ષ નથી ભારત એક જ પક્ષ છે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તેના નેતા છે અને અમે બધા તેના સૈનિકો છીએ. આવી વાત અટલજી જ કરી શકે અને અટલજી એ જ કરી હતી જ્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાન સાથે સીમલા કરાર કરવાની ભૂલ કરી ત્યારે તેની સામે સૌ પ્રથમ અવાજ ઉઠાવનાર પણ અટલજી જ હતા.

૧૯૯૯ પહેલા મોટા ભાગે કોંગ્રેસી શાસન હતું તેમાં સુશાસન નામનું કોઈ તત્વ ભાગ્યે જ જાેવા મળતું હતું. પરંતુ અટલજીએ ગઠબંધન સરકાર ચલાવી અને ગઠબંધનમાં સામેલ પક્ષોના યોગ્ય સુચનો સ્વીકારીને તેનો અમલ પણ કર્યો ઘ આંગણે તેમણે તત્કાલીન વિરોધ પક્ષના વર્ચસ્વવાળી સરકારનો સહકાર લઈને પણ કોઈપણ રાજ્યની વિકાસકૂચને જરા સરખી પણ બ્રેક લાગવા દીધી નહોતી, મનમોહનસિંહના નાણામંત્રી પદે જે આર્થિક સુધારાનો દોર શરૂ થયો તેને અટલજીએ બરાબર આગળ વધાર્યો હતો.

અટલજી ભલે અર્થશાસ્ત્રી નહોતા પરંતુ લોકોની નાડ પારખવાની નિષ્ણાત તબીબ જેવી તેમની અભૂતપૂર્વ આવડત હતી. આ આવડત જ તેમને માત્ર તેજાબી વક્તા નહિ પરંતુ એમ.બી.એ. વિદ્યાર્થી કરતા પણ વધુ સારા વહિવટકર્તા પૂરવાર કર્યા હતા. તેમણે યુનોની સામાન્ય સભામાં પ્રથમ વખત હિંદીમાં પ્રવચન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને એટલું જ નહિ પણ ભારતની રાષ્ટ્રભાષા હિંદીને પણ આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવ્યું હતું.

આ તેમની મહાનતાનો જીવંત પૂરાવો હતો. રાષ્ટ્રવાદનો પૂરાવો હતો. અટલજી પોતે માત્ર રાજપુરષ નહોતા. ભાતીગળ વ્યક્તિત્વ ધરાવતા મહામાનવ હતા. તેવો પત્રકાર પણ હતા. અને સાહિત્યકાર પણ હતા. તેઓ કવિ પણ હતા તેમણે લખેલા કાવ્યોમાં પણ રાષ્ટ્રવાદ ટપકતો હતો. સમાજની વેદના પણ દેખાતી હતી અને સમાજની વેદના સામે કેવી રીતે ઝઝુમવું તેનો માર્ગ પણ દેખાતો હતો.
તેઓએ દેશના વિકાસને નવી દિશા આપી. ઘણા વિવેચકો કહે છે તે પ્રમાણે અટલજીએ કંડારેલા વિકાસના માર્ગને તેમણે જ જેમને ગુજરાતનું સુકાન સોંપેલું અને પછી જેઓ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન પણ બન્યા તે નરેન્દ્રભાઈ મોદી આગળ વધારી રહ્યા છે. નરેન્દ્રભાઈ અટલજીના પ્રશંસક નહિ પણ શિષ્ય જેવા છે અને અટલજીએ સુશાસનના માર્ગની જે કેડી કંડારેલી તે સુશાસનને નરેન્દ્રભાઈએ નેશનલ હાઈવે બનાવી દીધો છે.

અટલજી બાબતમાં ઘણા વિવેચકોએ નોંધ લીધી છે કે તેમનું વ્યક્તિત્વ એટલે રગેરગમાં રાષ્ટ્રવાદ, લોક કલ્યાણ, પ્રમાણિકતા પ્રખર વક્તાની સાથએ સુશાસન પણ તેઓ હતા. દરેક પ્રશ્નો અંગે સમયોચિત નિર્ણય લેવાની તેમની આવડતને આજે સૌ સારી રીતે યાદ કરે છે પ્રમાણિકતા અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ પૂર્વ વડાપ્રધાન એવું પ્રચંડ વ્યક્તિત્વ હતા કે જેમને તેમના વિરોધીઓએ પણ વંદન કરવા પડે. વડાપ્રધાન હોય કે વિરોધ પક્ષના નેતા હોય પણ અટલજીએ ક્યારેય ગરિમા ગુમાવી નહોતી. તેમના પ્રવચનોમાં વિપક્ષ પ્રત્યે પણ પ્રેમની લાગણી હતી. વડાપ્રધાન તરીકેના પ્રવચનમાં પણ ક્યારેય પોતાના હોદ્દાનું ગૌરવ ઝંખવાય તેવું પ્રવચન ક્યારેય પણ કર્યું નથી.
અટલજીને આપણે સુશાસક અને પ્રમાણિક રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ તરીકે હંમેશા યાદ કરવા પડે. સમય પ્રમાણે રાષ્ટ્રના હિતમાં કામ કરનારા નેતા તરીકે તો અચુક યાદ કરવા જ પડે તેમ છે.
