Worldcup/ દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની 134 રને શરમજનક હાર, રબાડાએ લીધી 3વિકેટ

વર્લ્ડ કપની 10મી મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું છે, આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે

Top Stories Sports
4 23 દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની 134 રને શરમજનક હાર, રબાડાએ લીધી 3વિકેટ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની 10મી મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 311 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 40.5 ઓવરમાં માત્ર 177 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેને સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

312 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમના ઓપનર મિચેલ માર્શ અને ડેવિડ વોર્નર શરૂઆતથી જ આફ્રિકાના ઝડપી બોલિંગ આક્રમણ સામે રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. મિશેલ માર્શ 15 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. આગામી ઓવરમાં વોર્નર 13ના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. સ્ટીવ સ્મિથ અને માર્નસ વચ્ચેની ભાગીદારી ખીલી રહી હતી પરંતુ સ્ટીવ સ્મિથ એલબીડબલ્યુની જાળમાં ફસાઈ ગયો હતો. જોશ ઈંગ્લિસને રબાડાએ ક્લીન બોલ્ડ કર્યો હતો. ગ્લેન મેક્સવેલ માત્ર 3 રન બનાવી શક્યો હતો. માર્કસ સ્ટાઈનિસે 5 રનનું યોગદાન આપ્યું હતું. મિચેલ સ્ટાર્કે 27 રન બનાવ્યા હતા અને તે બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. પેટ કમિન્સે કેટલાક મોટા શોટ રમ્યા અને 22 રનનું યોગદાન આપ્યું. તબરેઝ શમ્સીએ 41મી ઓવરમાં બે વિકેટ લઈને ઓસ્ટ્રેલિયન ઈનિંગ્સનો અંત આણ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોકની મજબૂત સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોકે 106 બોલમાં 109 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે સૌથી સફળ બોલર ગ્લેન મેક્સવેલ હતો જેણે 10 ઓવરમાં 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી. મિચેલ સ્ટાર્કે બે વિકેટ લીધી હતી. 312 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવી છે.

પ્રથમ બેટિંગ કરતા ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમાએ શાનદાર શરૂઆત કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ હતી. બાવુમા 35 રન બનાવીને આઉટ થયો હતો. ડુસેન 26 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ક્વિન્ટન ડી કોકે 90 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ક્વિન્ટન ડી કોક 106 બોલમાં 109 રન બનાવીને આઉટ થયો હતો. ડી કોકના આઉટ થયા બાદ માર્કરામ અને ક્લાસને દાવ સંભાળ્યો અને બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ. એડન 56 રન બનાવીને આઉટ થયો હતો. હેનરિચ માત્ર 29 રન બનાવી શક્યો હતો. માર્કોએ 26 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ડેવિડ મિલર છેલ્લી ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો.