દેશનો સૌથી સંવેદનશીલ મામલાની આજે સુનાવણી ચાલી રહી છે, મુસ્લિમ પક્ષ દ્વારા આ કેસમાં મધ્યસ્થીનાં સમાચારને નકારી કાઠવામાં આવેલ છે. મુસ્લિમ પક્ષ વતી એડવોકેટ ઇકબાલ અન્સારીનાં એડવોકેટ એમ.આર. શમશાદે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સુન્ની વક્ફ બોર્ડે જમીન પર દાવો છોડવાની વાત કરી નથી, આ બધી અફવાઓ છે.
અયોધ્યા કેસમાં ગુરુવારે જ્યારે અંતિમ દલીલો સુપ્રીમ કોર્ટમાં શરૂ થઈ રહી છે, તે પહેલાં મુસ્લિમ પક્ષનાં વકીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. એમ. આર શમશાદે પોતાના નિવેદનમાં લખ્યું છે કે, ‘હું ઇકબાલ અન્સારી, હાશીમ અન્સારી વતી આ મામલે ઘણા સમયથી દલીલો કરું છું. હું સુન્ની વક્ફ બોર્ડ વિશે ચાલી રહેલી મધ્યસ્થીની વાતો વિશે સ્પષ્ટતા કરવા માંગું છું કે આવી કોઈ અપીલ કરવામાં આવી નથી.’ નિવેદનમાં વકીલે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષ તરફથી કુલ 6 પક્ષો આ કેસ લડી રહ્યા છે, જેમાંથી સુન્ની વક્ફ બોર્ડ એક પક્ષ છે. આ મામલે તમામ પક્ષો પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. આ કેસને લઇને પક્ષનાં ઇકબાલ અન્સારીએ ખુદ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ આ મામલે જે નિર્ણય લેશે તે સ્વીકારવામાં આવશે. તેમણે અપીલ કરી અને કહ્યું કે નિર્ણય જે પણ બાજુમાં આવે, તેને સ્વીકારવું જોઈએ. લોકોએ શાંતિથી સુપ્રીમ કોર્ટનાં નિર્ણયને માન આપવુ જોઈએ. અમે હંમેશાં દેશની પ્રગતિની ઇચ્છા રાખીએ છીએ.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આ કેસની દૈનિક સુનાવણી શરૂ થાય તે પહેલાં કોર્ટે મધ્યસ્થીનો વિકલ્પ આપ્યો હતો. પરંતુ આ અંગે કોઈ પક્ષ સહમત થઈ શક્યો નહીં. ત્યાર બાદ 6 ઓગષ્ટથી રોજ આ કેસની સુનાવણી ચાલી રહી છે. જો કે, કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પક્ષ મધ્યસ્થી કરવા માંગે છે, તો તે સીધુ કોર્ટને જણાવી શકે છે. આપને જણાવી દઈએ કે, બુધવારે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની અંતિમ દલીલો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાની છે. હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષની અંતિમ દલીલો 16 ઓક્ટોબરે કોર્ટમાં મુકાશે. આ પછી, 17 ઓક્ટોબરનાં રોજ મોલ્ડિંગ ઓફ રિલીફ પર ચર્ચા થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
