Bab el Mandeb Strait: ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો જંગ હવે માત્ર મિડલ ઈસ્ટ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને બાનમાં લેવા તરફ આગળ વધી રહ્યો છે. દુનિયાની ‘એનર્જી લાઈફલાઈન’ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (સમુદ્રી માર્ગ) બંધ થવાના હાહાકાર વચ્ચે, હવે ઈરાને દુનિયાના બીજા સૌથી મહત્વના સમુદ્રી માર્ગ ‘બાબ અલ-મંદેબ’ (Bab-el-Mandeb) ને પણ બંધ કરવાની ખુલ્લી ધમકી આપી છે. જો આમ થશે, તો ભારત સહિત આખી દુનિયામાં તેલ અને ગેસની સપ્લાય ઠપ્પ થઈ જશે.
(Bab el Mandeb) ને પણ બંધ કરવાની ખુલ્લી ધમકી
ઈરાનના એક ટોચના સૈન્ય અધિકારીએ ચેતવણી આપી છે કે, જો અમેરિકા આ યુદ્ધમાં કોઈ પણ ‘વ્યૂહાત્મક ભૂલ’ કરશે તો ઈરાન હોર્મુઝની સાથે સાથે ‘બાબ અલ-મંદેબ’ નો રસ્તો પણ કાયમ માટે બ્લોક કરી દેશે. ઈરાનના IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) એ અગાઉ જ એલાન કર્યું છે કે અમેરિકા કે તેના સાથી દેશોનું એક પણ જહાજ પસાર નહીં થવા દઈએ અને “હોર્મુઝમાંથી એક લીટર તેલ પણ બહાર નહીં જવા દઈએ.” હવે આ ધમકીનો વ્યાપ બાબ અલ-મંદેબ સુધી પહોંચી ગયો છે.

ઈરાનથી દૂર હોવા છતાં કેવી રીતે બંધ કરશે આ રસ્તો?
તમને સવાલ થશે કે ‘બાબ અલ-મંદેબ’ તો ઈરાનથી ઘણું દૂર છે, તો તે આ રસ્તો કેવી રીતે બંધ કરી શકે? આનો સીધો જવાબ છે યમનના ‘હૂતી વિદ્રોહીઓ’ (Houthi Rebels). બાબ અલ-મંદેબ યમન પાસે આવેલું છે અને તેના પર ઈરાન સમર્થિત હૂતીઓનો કબજો છે. નવેમ્બર 2023 થી અત્યાર સુધીમાં હૂતીઓએ લાલ સાગરમાંથી પસાર થતા 60 દેશોના 100 થી વધુ વેપારી જહાજો પર મિસાઈલ હુમલા કર્યા છે. હૂતીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે યુદ્ધ માટે “અમારી આંગળીઓ ટ્રિગર પર જ છે.”
ભારતથી 4000 કિમી દૂર આવેલો આ માર્ગ કેમ છે આટલો મહત્વનો?
અરબી ભાષામાં બાબ અલ-મંદેબને ‘આંસુઓનો દરવાજો’ (Gate of Tears) તરીકે ઓળખવામાં આવે છે, જે યમન અને આફ્રિકાના દેશ જિબૂતી વચ્ચે આવેલો માત્ર 26 કિમીનો અત્યંત સાંકડો પટ્ટો છે. આ ભૌગોલિક માર્ગ વિશ્વના વેપાર માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે અહીંથી દર વર્ષે 20,000 થી વધુ ઓઈલ ટેન્કરો પસાર થાય છે. વિવિધ રિપોર્ટ્સ મુજબ, રોજનું અંદાજે 62 લાખ બેરલ ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ પેટ્રોલિયમ અહીંથી જ દુનિયાભરમાં મોકલવામાં આવે છે, જે દુનિયાના કુલ ઓઈલ વેપારનો 9% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. ઓઈલ ઉપરાંત, મોટી માત્રામાં લિક્વિડ નેચરલ ગેસ (LNG) ના જહાજો પણ આ જ માર્ગનો ઉપયોગ કરીને પસાર થાય છે.
જો રસ્તો બંધ થયો તો ભારતને શું થશે નુકસાન?
ભારત માટે આ સમાચાર અત્યંત ચિંતાજનક છે કારણ કે ભારત તેની જરૂરિયાતનું 80 થી 85% જેટલું ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ, બાબ અલ-મંદેબ, લાલ સાગર અને સુએઝ નહેર જેવા રૂટ પરથી જ આયાત કરે છે. સઉદી અરેબિયાની મોટાભાગની ઓઈલ ફેસિલિટી પણ લાલ સાગરના કિનારે આવેલી છે, જેથી જો બાબ અલ-મંદેબ બંધ થાય તો સઉદીથી ભારત અને એશિયામાં આવતું તેલ સંપૂર્ણપણે અટકી જવાની ભીતિ છે. આ ઉપરાંત, ભારતની અંદાજે 35% જેટલી નિકાસ પણ આ જ સમુદ્રી માર્ગે થતી હોવાથી આર્થિક રીતે પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે.
જો આ બે ‘ચોક પોઈન્ટ્સ’ (Choke Points) બંધ થયા તો OPEC દેશોની તેલ ઉત્પાદન ક્ષમતા ધરીશાયી થશે અને ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે.
આ પણ વાંચો:US–ઈરાન યુદ્ધ વચ્ચે નિકાસકારોને મોટી રાહત! સરકારનો મોટો નિર્ણય
આ પણ વાંચો:અમેરિકા સામે ગલ્ફ દેશોની નારાજગી! ઈરાન યુદ્ધમાં આવ્યો નવો વળાંક
