Surendranagar News/ ધાંગધ્રામાં બાળકી શ્વાસ લઈ શકે તેવી રીતે અડધી દાટી દીધેલી હાલતમાં મળી આવી

અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી

Top Stories Gujarat Others

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં રાક્ષસને પણ શરમાવે તેવું માણસે કૃત્ય કરતા લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે. અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી છે. ધ્રાંગધ્રાના હરિપર ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે બાળકનો અવાજ સાંભળતા તે નજીક ગયા તો જમીન પરનાં દૃશ્ય જોઈ હચમચી ગયા હતા. માસૂમ બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં હતી. આ દૃશ્ય જોઇ માલધારીએ જાણ કરતા અન્ય લોકો દોડી આવ્યા અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જો કે નિષ્ઠુર જનેતા બાળકીને જીવતી રાખવા માગતી હોય તે રીતે બાળકી શ્વાસ લઈ શકે તે માટે મોં જમીન બહાર રાખ્યું હતું અને બાકીનાં અંગો દાટી દીધાં હતાં. પોલીસે જણાવ્યા મુજબ, બાળકીને જે રિક્ષામાં લઈને જંગલમાં જીવતી દાટી દેવાઈ હતી એ રિક્ષાની ઓળખ થઇ ગઈ છે અને એ દિશામાં સઘન પોલીસ તપાસ ચાલી રહી છે.

આ અંગે મિતુલ પંચાસરાએ કહ્યું હતું કે, રવિવારે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ હું મારી વાડીએથી ઘર તરફ આવતો હતો તે દરમિયાન હરિપર કેનાલ પાસે આવેલા જલધારા હનુમાનજીના મંદિર પાસે પહોંચતા અમારા ગામના રબારી કુકાભાઇ તેજાભાઈ તથા નરશીભાઇ ઠાકોર પોતાનાં બકરાઓ ચરાવતા હતા અને તેઓએ રોડ ઉપર આવી મને બોલાવી જણાવ્યું હતું કે, કોઈ બાળકને જલધારા હનુમાનજીના મંદિર પાછળ જંગલમા દાટીને જતું રહ્યું છે અને બાળક રડે છે, તેમ વાત કરતા હું તુરંત જ જલધારા હનુમાનજીના મંદિર પાછળ જંગલ વિસ્તારમાં ગયેલો અને જોયું તો આ અજાણ્યું બાળક જમીનમાં દાટેલું હતું. જેથી મેં તરત જ અમારા ગામના મુમાભાઇ વજાભાઇ રબારી, સુરેશભાઇ રણછોડભાઈ પટેલ, લીંબાભાઇ મુમાભાઇ રબારીને ફોન કરી આ અંગેની જાણ કરતા તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા. ત્યાર બાદ આ નવજાત બાળકને બહાર કાઢી જોતા બાળકી હોવાનું માલૂમ પડ્યું હતું.

આ દરમિયાન કોઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરતા થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ અને તેમાં આ નવજાત બાળકીને સરકારી દવાખાનામાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર અર્થે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે લઈ જવાઈ હતી.આ અંગે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના તબીબ ડો. ચૈતન્ય પરમારે જણાવ્યું હતું કે, આ બાળકીને માથામાં ઇજા છે અને ઓક્સિજન ઉપર 48 કલાક ઓબઝર્વેશનમાં છે. આ બાળકીનો જન્મ બે કે ત્રણ દિવસ અગાઉ જ થયો છે. પરંતુ હાલ એ જોખમથી બિલકુલ બહાર છે અને એની તબિયત પણ સ્થિર છે.

જ્યારે હરિપર ગામના સરપંચ રસિકભાઈ ભુવાએ જણાવ્યું કે, અમારા ગામના માલધારી યુવાનને જંગલમાં બાળકનો રડવાનો અવાજ સાંભળીને બનાવના સ્થળે જઈને જોતા આ બાળકી જીવિત હાલતમાં દાટેલી નજરે પડી હતી. બાદમાં એ માલધારી યુવાને ગામમાં જાણ કરતા ગ્રામજનોએ ઘટનાસ્થળે જઈ પોલીસને જાણ કરી 108 એમ્બ્યુલન્સ વાનમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા બાળકીનો જીવ બચી ગયો હતો. જો આ વેરાન જંગલમાં બાળકી પર માલધારીનું ધ્યાન જ ન ગયું હોત તો આ બાળકીને કૂતરાં ફાડી ખાત.

તેમજ ઈન્ચાર્જ પીઆઈ ડી.ડી.ચાવડાએ જણાવ્યું હતું કે, આ નવજાત બાળકીનો જન્મ ત્રણ દિવસ અગાઉ થયો હોવાનું જાણવા મળ્યું અને હાલ બાળકી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમા એકદમ સ્વસ્થ છે. સાંજ સુધીમાં આ બાળકીને કોણ મૂકી ગયું એ ડિટેક્ટ થઇ જશે. બાળકીને જે રિક્ષામાં લઈને જંગલમાં જીવતી દાટી દેવાઈ હતી એ રિક્ષાની ઓળખ થઇ ગઈ છે અને એ દિશામાં સઘન પોલીસ તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ છે જીવલેણઃ 2023માં 870નાં મોત

આ પણ વાંચો:  પોરબંદર જળબંબાકાર, 14 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

આ પણ વાંચો: અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો આંશિક રદ્દ, જાણો ક્યાં સુધી રેલ સેવાનો લાભ નહીં મળે