રાજસ્થાન/ અજમેરમાં સાર્વજનિક અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર પર પ્રતિબંધ, જાણો કેમ આ પગલું ભરાયું

રાજસ્થાનના અજમેરમાં જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

India
Loudspeaker

રાજસ્થાનના અજમેરમાં જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે. આ સાથે અજમેર જિલ્લા પ્રશાસને શહેરમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરી દીધી છે. તેમજ આગામી એક મહિના સુધી કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ઝંડા અને બેનરોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ હુકમમાં જણાવાયું હતું કે, જિલ્લામાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમોમાં સરકારી જગ્યાઓ, જાહેર ચોક, ઈલેક્ટ્રીક અને ટેલિફોનના થાંભલાઓ અને કોઈ પણ વ્યક્તિની મિલકત પર સક્ષમ મંજુરી વગર કોઈપણ પ્રકારના બેનરો કે ઝંડા લગાવી શકાશે નહીં. એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ આવું કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કરૌલીમાં હિંસા થઈ હતી

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજસ્થાનના કરૌલી શહેરમાં નવ સંવત્સર નિમિત્તે હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી બાઇક રેલી પર પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી કરૌલીમાં તણાવનું વાતાવરણ છે. જો કે, હજુ પણ શાંતિ છે અને કોઈપણ પ્રકારની હિંસાના સમાચાર નથી.