Not Set/ મતદાર કાર્ડને આધાર સાથે લિંક કરવાનો બિલ લોકસભામાં પારિત,વિરોધ પક્ષનો વિરોધ……

કાયદા મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં જણાવ્યું કે આ જોગવાઈ વૈકલ્પિક કરવામાં આવી છે. જો કે વિપક્ષના નેતા સરકારની આ દલીલ સાથે સહમત ન હતા

Top Stories India
loksabha મતદાર કાર્ડને આધાર સાથે લિંક કરવાનો બિલ લોકસભામાં પારિત,વિરોધ પક્ષનો વિરોધ......

મતદાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર વતી કાયદા મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં જણાવ્યું કે આ જોગવાઈ વૈકલ્પિક કરવામાં આવી છે. જો કે વિપક્ષના નેતા સરકારની આ દલીલ સાથે સહમત ન હતા અને બિલનો જોરદાર વિરોધ કર્યો હતો. મતદાર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા અંગે કાયદા મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે, મતદાર યાદીમાં ડુપ્લિકેશન અને બોગસ મતદાનને રોકવા માટે મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે.

આ બિલ આજે બપોરે જ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. મંગળવારે આ બિલ પર ચર્ચા થાય તેવી શક્યતા હતી પરંતુ સરકારે આજે જ તેને પાસ કરાવવાનો નિર્ણય લીધો હતો.ઉલ્લેખનીય છે  કે લખીમપુર હિંસા મામલામાં ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગણી કરતા વિપક્ષના હોબાળા વચ્ચે ટૂંકી ચર્ચા બાદ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

વિપક્ષે માંગ કરી હતી કે બિલને ચર્ચા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવે, પરંતુ સરકારે કહ્યું કે કાયદા અને ન્યાય મંત્રાલય સાથે જોડાયેલ સંસદીય સ્થાયી સમિતિએ પહેલાથી જ મતદાર યાદીને આધાર સાથે લિંક કરવાની ભલામણ કરી છે. સમિતિએ તેના 101મા રિપોર્ટમાં આ ભલામણ કરી હતી.

બિલ દ્વારા પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ 1950 અને પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ ​​એક્ટ 1951માં ફેરફાર કરવામાં આવ્યા છે. મતદાર યાદીને આધાર સાથે લિંક કરવાની જોગવાઈ ઉપરાંત બિલમાં અન્ય ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે વર્ષમાં એક વખતના બદલે મતદાર યાદીમાં નવા મતદારોને દર ત્રણ મહિને એટલે કે વર્ષમાં ચાર તકો આપવામાં આવશે.

અત્યાર સુધી, દર વર્ષની પહેલી તારીખે એટલે કે 1 જાન્યુઆરીએ, ફક્ત 18 વર્ષની વય વટાવી ચૂકેલા યુવાનો જ તેમનું નામ ઉમેરી શકશે. ત્યાર બાદ 18 વર્ષની વયે પહોંચેલા યુવાનોએ આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. બીજો ફેરફાર ચૂંટણી કાયદામાં લશ્કરી મતદારોની સમાનતા છે.

વર્તમાન કાયદા હેઠળ, સર્વિસમેનની પત્ની લશ્કરી મતદાર તરીકે નોંધણી કરવા પાત્ર છે, પરંતુ મહિલા સર્વિસમેનનો પતિ આ માટે યોગ્ય નથી. લશ્કરી મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.

નવા બિલમાં હવે આ સુવિધા મહિલા સૈન્ય કર્મચારીઓના પતિઓને પણ મળશે. વિધેયકમાં અન્ય જોગવાઈ ચૂંટણી પંચ દ્વારા કોઈપણ ઈમારત કે સ્થળનો ચૂંટણી, મતગણતરી અને અન્ય ચૂંટણી કાર્ય માટે ઉપયોગ કરવા અંગે કરવામાં આવી છે. આ બિલ હવે પસાર થવા માટે મંગળવારે જ રાજ્યસભામાં લાવવામાં આવે તેવી શક્યતા છે.