Banaskantha News: બનાસકાંઠા જિલ્લોના ખાણ-ખનીજ વિભાગે (Mines Department) વર્ષ 2025-26 દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરી રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિભાગે (Mines Department) સરકાર દ્વારા આપવામાં આવેલા મહેસુલી આવકના લક્ષ્યાંકને પાર કરીને 201 કરોડથી વધુની આવક મેળવી 122% કામગીરી નોંધાવી છે, જે રાજ્ય સ્તરે એક નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવી રહી છે.
સરકાર દ્વારા શરૂઆતમાં 132 કરોડનો આવક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેને વિભાગે જાન્યુઆરી 2026 સુધીમાં જ પૂર્ણ કરી લીધો હતો. ત્યારબાદ લક્ષ્યાંક વધારી 164 કરોડ કરવામાં આવ્યો હતો, છતાં વિભાગે (Mines Department) આયોજનબદ્ધ કામગીરી દ્વારા 200 કરોડથી વધુ આવક મેળવી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સફળતા માટે મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીત સિંહ સારસ્વા અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ખાણ-ખનીજ વિભાગ (Mines Department)ની ઝળહળતી સફળતા
ખાસ નોંધનીય બાબત એ છે કે બનાસકાંઠા જિલ્લાએ માત્ર કાયદેસરની આવકમાં જ નહીં, પરંતુ ખનીજ ચોરી સામેની કાર્યવાહીમાં પણ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વર્ષ 2025-26 દરમ્યાન કુલ 1197 ખનીજ ચોરીના કેસો પકડી પાડવામાં આવ્યા છે અને 22.56 કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. આ સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે 12 પોલીસ ફરિયાદો તથા 14 કેસો સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લાની આવકમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2022-23માં 82.44 કરોડથી શરૂ થયેલી આવક 2023-24માં 96.31 કરોડ, 2024-25માં 105.29 કરોડ અને ચાલુ વર્ષમાં 201 કરોડથી વધુ સુધી પહોંચી છે, જે વિભાગની સતત સુધરતી કામગીરી દર્શાવે છે.
વિભાગ (Mines Department) દ્વારા ખનીજ ચોરી રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને કાયદેસર ખનન તથા રોયલ્ટી વસુલાત વધારવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુરપ્રીત સિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે કમિશ્નર ડૉ. ધવલ પટેલના માર્ગદર્શન અને જિલ્લા પ્રશાસનના સહયોગથી વિભાગ ભવિષ્યમાં પણ વધુ સશક્ત કામગીરી ચાલુ રાખશે. આ રીતે બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગે માત્ર લક્ષ્યાંક પાર કર્યો નથી, પરંતુ રાજ્યમાં એક નવી કાર્યક્ષમતાની મિસાલ પણ સ્થાપિત કરી છે.
આ પણ વાંચો:હાલાર સહિતના ખાણ-ખનીજ વિભાગના 9 અધિકારીની બદલી
આ પણ વાંચો:પાટણમાં ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી
આ પણ વાંચો:ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું
