Ahmedabad News: અમદાવાદમાં રહેતા એક યુવકે પોતાની પત્ની અને 7 મહિનાના બાળકને કોર્ટ સમક્ષ રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે. મામલાની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહિલાને બાંગ્લાદેશની નાગરિક હોવાનું જણાવ્યું હતું.
FIRમાં ગંભીર ખુલાસાનો દાવો
રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે ભરુચમાં નોંધાયેલા FIR અનુસાર મહિલા અન્ય કેટલીક મહિલાઓ સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. આ મામલે તપાસ ચાલુ હોવાનું પણ જણાવાયું હતું.
Gujarat High Court: સરકારના સંરક્ષણ ગૃહમાં મહિલા અને બાળક
હાલ મહિલા અને તેનો 7 મહિનાનો બાળક સરકારના સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા છે. હાઈકોર્ટે (Gujarat High Court) મામલાને વેકેશન બાદ સુનાવણી માટે મુલતવી રાખ્યો છે. ત્યાં સુધી તેમની હિલચાલ પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે.
બાળકના માનવતાવાદી મુદ્દે રજૂઆત
અરજદાર પક્ષના વકીલે કોર્ટ સમક્ષ 7 મહિનાના બાળકના માનવતાવાદી પાસાને ધ્યાનમાં લેવા અપીલ કરી હતી. સાથે જ રાજ્ય સરકારના જવાબ સામે વધુ રજૂઆત કરવા માટે સમય પણ માગવામાં આવ્યો હતો.
પ્રેમ સંબંધ બાદ લગ્ન
માહિતી મુજબ યુવતી બાંગ્લાદેશથી ભારતમાં આવી હતી અને બાદમાં અરજદાર યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ બાળકનો જન્મ થયો હતો.
પરિવારજનોને મળવાની મંજૂરી યથાવત્
કોર્ટ દ્વારા પરિવારજનોને અગાઉની જેમ મળવાની મંજૂરી ચાલુ રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણીમાં સમગ્ર મામલે વધુ ચર્ચા થશે.
આ પણ વાંચો:ઇસ્કોન મંદિરમાં દીકરીનું બ્રેઈન વોશ કરાયાનો આરોપ, પિતાની હેબિયસ કોર્પસની અરજી
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પુખ્ત દીકરીને જીવનસાથી પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા
આ પણ વાંચો:ગાયબ દીકરી સાથે પોતાના પશુ પક્ષીઓને પણ શોધવા મહિલાની હાઈકોર્ટમાં રજૂઆત
