- ઓલપાડના ઈસનપોર ગામે માત્ર ગાદલા અને ઓશિકા પાથરી દેવાયા
- મેડિકલ સ્ટાફ કે સાધનો વિના કોવિડ કેર સેન્ટર ખાલીખમ જણાયું
- સરકારે” મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનની શરૂઆત કરી પણ હાથ ખંખેરી લીધાઃ દર્શન નાયક
સુરત શહેરની સાથે જિલ્લામાં પણ ગ્રામીણ લેવલે કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કયું છે. જે અંતર્ગત તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ગ્રામ પંચાયતોને સુચવવામાં આવ્યું છે. જાકે સુવિધાઓ અને મેડિકલ સ્ટાફના અભાવે ઓલપાડ સહિતના તાલુકાઓમાં સરકારની આ વાતોનો ફિયાસ્કો થયો જોવા મળી રહ્યો છે.
સુરત જિલ્લામાં કુલ ૫૬૭ ગ્રામ પંચાયતો આવેલી છે જે પૈકી અમુક વગદાર અને આર્થિક સધ્ધરતા ધરાવતી ગ્રામ પંચાયતોએ પોતાના ગામમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કર્યા છે. અને શરૂ કરવામાં આવ્યા છે તો કોઈ કામના નથી કેટલાક ગામોમાં સરકાર અને સ્થાનિક નેતાઓને સારૂ લગાડવા શાળાઓમાં ગાદલા અને ઓશિકા પાથરી દેવામાં આવ્યા છે. ઓલપાડના ઈશનપોર તેનું જીવંત ઉદાહરણ છે. જિલ્લા કોંગ્રેસ ના નેતાઓએ ગઈકાલે ત્યાં મુલાકાત લેતા ભાંડો ફુટ્યો હતો. આ ઉપરાંત સામુહિક આરોગ્ય કે્ન્દ્રોમાં જરૂરી ઈન્જેકશન, કીટ સહિતનો જથ્થો પુરો પાડવામાં આવતો નથી.
સુત્રોના વધુમાં જણાવ્યા મુજબ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શાળા કે સમાજની વાડીમાં લોક ભાગીદારીથી કોવિડ કેર સેન્ટર શરુ કરવા સરકાર દ્વારા જણાવ્યું છે. સરકાર કોઈ ફાળો આપવાની નથી લોકો પાસેથી ફંડ ઉઘરાવી ગ્રામ પંચાયતોને સેવા કરવાનું કહી તેમના માથે ઢોળી દેવામાં આવ્યુ છે કોવિડ કેર સેન્ટરમાં ખાટલા, ગાદલા, હવાની અવર જવર માટે પંખા, પાણીની સગવડ, મેડીસીનની કીટ, બીપી માપવાનું મશીન , થર્મલ ગન, સહિતના સાધનો રાખવાના હોય છે. પણ મોટા ભાગના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટરો શોભાના ગઠિયા સમાન પુરવાર થયા છે. સરકારની કોઈ સુવિધા ન મળતા મોટાભાગના સેન્ટરોને ગ્રહણ નડી રહ્યુ છે. અને સુવિધાના અભાવે લોકો દાખલ થતા નથીનો બળાપો સ્થાનિક લોકો વ્યકત કરી રહ્યા છે જેથી ગ્રામીણ વિસ્તારમાં વકરતી મહામારી વચ્ચે સરકારની વાતોનો ફિયાસ્કો થઈ રહ્યો છે.
સુવિધા વગરના કોવિડ-કેર સેન્ટરમાં દર્દીઓ રહેવા માંગતા નથીઃ દર્શન નાયક
કોરોનાની બીજી લહેરમાં તંત્ર ચેઈન તોડા માટે તનતોડ મહેનત કરી રહ્યાં હોવાનું કહેવાય છે તેના ભાગરૂપે જિલ્લામાં કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. પરંતુ તબિબી સારવારના અભાવે આ પ્રયાસ સફળ થય તેમ જણાતુ નથી. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય દર્શન નાયક સહિતના આગેવાનોએ ગઈકાલે ઓલપાડના ઈશનપોરની લીધેલી મુલાકાતમાં માત્ર ગાદલા અને ઓશિકા જ જોવા મળયા હતા ત્યાં કોવિડ કેર સેન્ટરમાં સુવિધાના અભાવે અથવા મેડિકલ સ્ટાફના અભાવે કોઈ જ દર્દી હતો નહી, દર્શન નાયકે કહ્યું કે સુવિધા ના અભાવે કોઈ દર્દી દાખલ થતા નખી કે પછી અહી રહેવા માંગતા નથી ગ્રામીણ વિસ્તારમાં સુવિધા મળે તો લોકો શહેરમાં સારવાર માટે આવવા રાજી નથી.
ચૂંટણી સમયે ઘરે ઘરે ફરતા નેતાઓ ઘરમાં છુપાઈ ગયા… ?
ગ્રામ્ય વિસ્તારાં કોરોનાને અંકુશમાં લેવા કોવિડ કેર સેન્ટરો શરૂ કર્યા છે. જેમાં સોનો સહકાર જરૂરી છે. સહકાર માટે સૌથી પહેલા જેઓને આગળ આવવું પડે તેવા ગ્રામ્ય વિસ્તારના નેતાઓ ઘરમાં લપાઈ છુપાઈ ગયા છે. ચૂંટણી ટાણે ઘરે ઘરે મત માગવા જતા આવા નેતાઓ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કે સુવિધાઅો ઉભી કરવા મુદે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધાનો સ્થાનિક વિસ્તારના લોકોમાં આક્રોશ છે અને પ્રજા હાલ કમોતે મરી રહી છે છતાં તેની મુલાકાત રાજકીય આગેવાનો લેતા નથી કારણ કે સુવિધાઓ ન હોવાતી લોકોનો બળાપો સહન કરવાની તાકાત તેમના માં નથી.
