Surat News: સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime) સેલે છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી નિતીન ઉર્ફે કાનો પ્રભુભાઈ વડચકને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે ₹42.28 લાખના ઇન્વેસ્ટમેન્ટ સાયબર ફ્રોડ અને ₹4.80 કરોડની હીરાની છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણીના આક્ષેપો છે. પોલીસ તપાસમાં આરોપી દ્વારા મની મ્યુલ બેંક એકાઉન્ટની કીટો સાયબર ગુનાખોરો સુધી પહોંચાડવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આવા 46 એકાઉન્ટ્સમાં કુલ ₹31.36 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે.
દુબઈથી નેપાળ અને ત્યાંથી સુરત પહોંચ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, ગુનો નોંધાયા બાદ નિતીન દુબઈમાં છુપાઈને રહેતો હતો. સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime) ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે આરોપી દુબઈથી નેપાળ પહોંચ્યો છે. ત્યારબાદ તેણે નેપાળ બોર્ડર પાર કરીને બસ મારફતે દિલ્હી અને અમદાવાદ તરફથી સુરત આવવાનો પ્રયાસ કર્યો હતો. બાતમીના આધારે પોલીસે સુરતમાં વોચ ગોઠવી હતી અને શહેરમાં પ્રવેશતા જ આરોપીને ઝડપી પાડ્યો હતો.
Surat Cyber Crime: ચાની લારીથી શરૂ થયેલી સફર
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ધોરણ-12 સુધી અભ્યાસ કરનાર નિતીન શરૂઆતમાં સાડીના જોબવર્ક સાથે સંકળાયેલો હતો. ત્યારબાદ તેણે સુરતમાં ‘મઢુલી ટી-સ્ટોલ’ નામે ચા-નાસ્તાની હોટેલ શરૂ કરી હતી. દુબઈમાં હોટેલ શરૂ કરવાની ઈચ્છા સાથે તે ત્યાં ગયો હતો, પરંતુ પૂરતા નાણાંની વ્યવસ્થા ન થતાં પરત ફર્યો હતો. ત્યારબાદ ફરી દુબઈ પહોંચ્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગના વ્યવસાયની આડમાં તે આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાખોરી સાથે જોડાયેલા નેટવર્કમાં સક્રિય થયો હોવાનો પોલીસનો દાવો છે.
બેંક મેનેજર સાથે સંપર્ક, મની મ્યુલ એકાઉન્ટની કીટ મેળવ્યાનો આક્ષેપ
પોલીસના જણાવ્યા પ્રમાણે, નિતીન અગાઉ ઝડપાયેલા એક બેંક મેનેજરના સંપર્કમાં હતો. બેંક મેનેજરને કમિશન આપવાના બદલામાં મની મ્યુલ બેંક એકાઉન્ટની કીટ મેળવવામાં આવતી હતી.
પોલીસના દાવા મુજબ, એક કીટ માટે ₹1.20 લાખનું કમિશન નક્કી કરવામાં આવ્યું હતું અને ₹60 હજાર એડવાન્સ આપવામાં આવતા હતા. ત્યારબાદ આ બેંક એકાઉન્ટની વિગતો ટેલિગ્રામ મારફતે ચાઈનીઝ સાયબર ગુનાખોરોના નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હોવાનો આરોપ છે. તપાસમાં આવા 46 મની મ્યુલ એકાઉન્ટ્સમાં ₹31.36 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ વ્યવહારો સાથે દેશભરમાં કુલ 227 ફરિયાદો જોડાયેલી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
₹4.80 કરોડની ડાયમંડ છેતરપિંડીમાં પણ સંડોવણી
સાયબર ફ્રોડ ઉપરાંત નિતીન સામે સુરત ઈકો સેલમાં નોંધાયેલા ₹4.80 કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં પણ સંડોવણીનો આક્ષેપ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ બોગસ ઓળખ અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને હીરાના વેપારીઓ પાસેથી કિંમતી હીરા મેળવ્યા હતા. તપાસમાં તે દુબઈથી બે કિંમતી ડાયમંડ સુરત લાવ્યો અને અન્ય સાગરીતોને સોંપ્યા બાદ ફરાર થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે.
Surat Cyber Crime: હવે અન્ય સાગરીતો અને નેટવર્ક અંગે તપાસ
આરોપીની ધરપકડ બાદ સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime) પોલીસે તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન મની મ્યુલ એકાઉન્ટ્સ, બેંક મેનેજર સાથેના સંપર્કો, ટેલિગ્રામ મારફતે થતી લેવડદેવડ અને ડાયમંડ છેતરપિંડીમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. ₹31.36 કરોડના શંકાસ્પદ વ્યવહારો અને દેશભરમાં નોંધાયેલી 227 ફરિયાદોના કનેક્શનને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓ હવે આ સમગ્ર નેટવર્કની કડી શોધી રહી છે.
આ પણ વાંચો:સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, જામતારા ગેંગ સાથે જોડાયેલા 3 આરોપી ઝડપાયા
આ પણ વાંચો:સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બોલતા ગણપતિનું કરાયું સ્થાપન
આ પણ વાંચો:સુરતમાં સાયબર ક્રાઈમને રોકવા સાયબર સંજીવની યોજનાની કરાઈ શરૂઆત
