Madhyapradesh News : મર્ડરના કેસમાં આજીવન કેદ ભોગવી ચૂકેલા યુવક સાથે મધ્યપ્રદેશની મહિલા જેલર પ્રેમમાં પડી અને બંનેએ હવે હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન (Marriage) કર્યા છે. સતના સેન્ટ્રલ જેલ (Prison)ની મદદનીશ અધિક્ષક ફિરોઝા ખાતૂન અને ધર્મેન્દ્ર ઉર્ફે અભિલાષના આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.
5 મેના રોજ છતરપુર જિલ્લાના લવકુશ નગરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બંનેના લગ્ન (Marriage) યોજાયા હતા. ફિરોઝાના પરિવારજનો આ સંબંધથી નારાજ હોવાનું કહેવાય છે અને તેઓ લગ્નમાં હાજર રહ્યા નહોતા. આવી સ્થિતિમાં વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રાજબહાદુર મિશ્રા અને તેમની પત્નીએ માતા-પિતાની ભૂમિકા ભજવી કન્યાદાન કરાવ્યું હતું. લગ્ન પ્રસંગે બજરંગ દળના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

માહિતી મુજબ, ફિરોઝા ખાતૂન સતના જેલમાં વોરંટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અભિલાષ સાથે તેમની ઓળખાણ થઈ હતી. અભિલાષ તે સમયે હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો અને જેલની અંદર વોરંટ સંબંધિત કામ કરતો હતો. કામ દરમિયાન શરૂ થયેલી વાતચીત ધીમે ધીમે મિત્રતા અને પછી પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ. જેલમાંથી મુક્ત થયા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
અભિલાષ છતરપુર જિલ્લાના ચંદલાનો રહેવાસી છે. વર્ષ 2007માં ચંદલા નગર પરિષદના તત્કાલીન ઉપાધ્યક્ષ કૃષ્ણદત્ત દીક્ષિતની હત્યાના કેસમાં તેને આજીવન કેદની સજા થઈ હતી. મૃતદેહને જમીનમાં દફનાવવાના આ ચર્ચિત કેસમાં લગભગ 14 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ સારા વર્તનના આધારે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

લગ્નના સમાચાર સામે આવતા સતના જેલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કેદીઓએ પણ નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રેમ, સામાજિક બંધનો અને ધર્મથી ઉપર ઉઠીને લેવાયેલા આ નિર્ણયને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
