Ahmedabad News : રાજ્ય માહિતી કમિશનર દ્વારા બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલને રૂ.15,000 નો દંડ ફટકાર્યો છે. જેમાં માહિતી આયોગના આદેશનું ઉલ્લંઘન તથાRTI હેઠળ સમયસર માહિતી ન આપવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત અરજદાર દ્વારા માગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે 10 દિવસમાં પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો છે.
11મી સપ્ટેમ્બર 2024ના રોજ બાવળાની વલ્લભનગર સોસાયટીમાં રહેતા વિશાલ મહેતાએ માહિતી અધિકાર કાયદા હેઠળ બાવળા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ પાસે કેટલીક માહિતી માંગી હતી. જેમાં 30મી ઓગસ્ટ 2024ના રોજ કલેક્ટર દ્વારા યોજાયેલી સંકલન મીટિંગમાં વરસાદી પાણીના નિકાલ અંગેની માહિતી અને વર્ષ 2022-23થી 2024 સુધીના તમામ ઠરાવોની પ્રમાણિત નકલ ઉપરાંત આ વર્ષે વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા થયેલા ખર્ચની વિગતોનો સમાવેશ થતો હતો.
જો કે, ચીફ ઓફિસર દ્વારા નિયત સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવામાં ન આવતા, વિશાલ મહેતાએ 30મી ડિસેમ્બરે પહેલી અપીલ કરી હતી. પહેલી અપીલ અધિકારીએ જાહેર માહિતી અધિકારીને 15 દિવસમાં વિનામૂલ્યે માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો હતો, પરંતુ આ હુકમનું પણ પાલન થયું ન હતું. અંતે અરજદારે છઠ્ઠી ફેબ્રુઆરીએ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર સમક્ષ બીજી અપીલ દાખલ કરી. 31મી જુલાઈના રોજ યોજાયેલી સુનાવણીમાં અરજદાર વિશાલ મહેતા હાજર રહ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર અને જાહેર માહિતી અધિકારી ગેરહાજર રહ્યા હતા. તે સિવાય આયોગ દ્વારા ખુલાસો પૂછવામાં આવ્યો હતો. પરંતુ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો.
આ દંડની રકમ ચીફ ઓફિસરના પગારમાંથી કાપવામાં આવશે અથવા એક મહિનામાં પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરવાની રહેશે. તે સિવાય 10 દિવસમાં અરજદાર દ્વારા માગવામાં આવેલી તમામ માહિતી વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આદેશ થયો છે.
આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ
આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!
આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત
