BCA Election : બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA)ની ચૂંટણી પહેલા જ ક્રિકેટ પોલિટિક્સ ગરમાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ચૂંટણી પહેલાં જ કિરણ મોરેના જૂથ સામે ગંભીર સવાલો ઉઠાવીને સમગ્ર માહોલ ચર્ચામાં લાવી દીધો છે. હાલ BCAની ચૂંટણીમાં પૂર્વ વિકેટકીપર કિરણ મોરે અને દર્શન બેંકરના જૂથ વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે.
BCA Election : ઈરફાન પઠાણે બરોડા ક્રિકેટનો સ્તર સતત ઘટી રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરી
ઈરફાન પઠાણે બરોડા ક્રિકેટનો સ્તર સતત ઘટી રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે બરોડાના ઘણા કોચ વિદેશમાં, ખાસ કરીને અફઘાનિસ્તાન જેવી ટીમોને કોચિંગ આપી રહ્યા છે, પરંતુ પોતાના શહેરમાં તેમને પૂરતું માન મળતું નથી. અહીં એવી સ્થિતિ છે કે જે લોકો માત્ર “હા માં હા” કરે છે તેમને જ નોકરી અને હોદ્દા મળે છે, જે દુઃખદ છે.
સિલેક્ટર કમિટીની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો
તેમણે સિલેક્ટર કમિટીની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. ઈરફાને કહ્યું કે તેઓ CIC કમિટીના સભ્ય તરીકે કોઈ નાણાકીય લાભ વગર સેવા આપતા હતા અને કોચના ઇન્ટરવ્યૂ સહિત અનેક કામગીરીમાં સમય આપ્યો હતો, કારણ કે તેઓ બરોડા ક્રિકેટને આગળ વધતું જોવું માંગતા હતા. પરંતુ હાલમાં ટીમ ક્વોલિફાય પણ નથી કરી શકતી અને ખેલાડીઓનો વિકાસ પણ અટકી ગયો છે. તેમના મતે, જો ઓછો અનુભવ ધરાવતો ખેલાડી ચેરમેન બને તો તે પ્રભાવ હેઠળ કામ કરી શકે છે, જ્યારે અનુભવી ખેલાડી વધુ સ્વતંત્ર અને સચોટ નિર્ણયો લઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં BCAમાં ખોટો ટ્રેન્ડ ચાલે છે, જે ચિંતાજનક છે.

જમ્મુ-કાશ્મીર ક્રિકેટમાં કરેલા કામનું ઉદાહરણ
ઈરફાને પોતાના જમ્મુ-કાશ્મીર ક્રિકેટમાં કરેલા કામનું ઉદાહરણ આપ્યું, જ્યાં આજે ખેલાડીઓ સેમિફાઇનલ રમે છે અને IPL સુધી પહોંચ્યા છે. તેમણે કહ્યું કે બરોડામાં પણ આવો વિકાસ શક્ય છે, પરંતુ હાલનું વાતાવરણ બદલવાની જરૂર છે.અંતમાં તેમણે મતદારોને અપીલ કરી કે આવનારી ચૂંટણીમાં સમજદારીપૂર્વક મતદાન કરે, કારણ કે બરોડા ક્રિકેટનું ભવિષ્ય તેમના હાથમાં છે.
3 પક્ષો આમને સામને
ઉલ્લેખનીય છે કે BCAની ચૂંટણીમાં રિવાઇવલ ગ્રુપ સામે રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ સાથે મળીને મેદાનમાં છે. દર્શન બેન્કર અને મહારાજા સત્યજિતસિંહ ગાયકવાડના જૂથનો સામનો કિરણ મોરે અને હાલના પ્રમુખ પ્રણવ અમીન કરી રહ્યા છે. ચૂંટણી પૂર્વે ઈરફાન પઠાણના નિવેદનથી સમગ્ર મામલો વધુ રાજકીય ગરમાવો પામી ગયો છે.
આ પણ વાંંચો:ભાવનગરમાં રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાય વિતરણ
આ પણ વાંંચો:ગરવી ગુર્જરીની પ્રોત્સાહક પહેલે કલા-કારીગરોને આપ્યો ગૌરવમય મંચ
આ પણ વાંંચો:સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, જામતારા ગેંગ સાથે જોડાયેલા 3 આરોપી ઝડપાયા
