રાજય માં હવે ગણેશ ઉત્સવ ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે, રાજકોટમાં આરોગ્ય વિભાગ તહેવાર પહેલા જ હરકતમાં આવ્યુ છે, શહેરમાં લાડુ બનાવતી મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.શહેરનાં છ જગ્યાએ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, આ ઉત્સવમાં લાડુનું ખાસ મહત્વ હોય છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના મીઠાઈ બનાવતા વિક્રેતાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે.
આરોગ્ય અધિકારી પી. પી. રાઠોડે જણાવ્યુ હતુ કે, “ગણેશ ઉત્સવમાં મોતી ચુરના લાડુ અને અન્ય લાડુનુ મોટાપાયે વેચાણ થતુ હોય છે,જેથી ઉત્પાદકો કોઈ અખાદ્ય વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી છે, જેમાં હાલ છ જગ્યાએથી નમુના લેવામાં આવ્યા છે, જેને તપાસ માટે બરોડા મોકલવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યુ કે, આ તપાસનો મુખ્ય હેતુ એ છે કે લોકોના આરોગ્યની સલામતી જળવાઈ રહે.”
