Banaskantha News : વાવ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાવ પેટાચૂંટણી આડે હવે માત્ર બે દિવસ રહ્યાં છે ત્યારે ભાજપને એકાએક પક્ષના બળવાખોર ઉમેદવાર માવજી પટેલને સસ્પેન્ડ કરવાનું યાદ આવ્યું અને સસ્પેન્ડ કર્યા. આ મુદ્દે વાવ બેઠકના ઉપક્ષ ઉમેદવાર અને ભાજપના સસ્પેન્ડેડ અગ્રણી માવજી પટેલે કહ્યું ભાજપનું કામ ભાજપ કરે, અમારું કામ અમે કર્યું છે. શું કરવું અને શું ના કરવું એ મારા હાથની વાત છે. ભાજપ એ કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. ભાજપે કશું આપ્યું નથી એટલે અમારી પાસેથી શું લેશે ?
લાલજીભાઈને પણ સસ્પેન્ડ કર્યા છે પરંતુ તેમને પણ કશું ભાજપે આપ્યુ નથી. આપ્યું તો જામાભાઈ ને પણ કશુ નથી. ભાજપ ગમે તે પગલું ભરે,અમે તૈયારી સાથે નીકળ્યા છીએ. જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળાય. સિંહ સામે આવશે તો સિંહને પણ કંટ્રોલ કરીશું.અમે કોઈ પાર્ટીની મહેરબાની પણ નથી જીવતા અમે પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ.વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજીભાઇ પટેલને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષવિરોધી પ્રવૃતિ બદલ તેમની સામે પગલા લેતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા. માત્ર માવજીભાઇ જ નહીં માવજી પટેલ સહિત કુલ પાંચ આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપે માવજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.પક્ષવિરોધી પ્રવૃતિ બદલ તેમની સામે પગલા લેવાતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા.ભાભર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન લાલજી ચૌધરીને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.. માર્કેટયાર્ડના ચેરમેન દલરામ પટેલને પણ સસ્પેન્ડ કરાયા. સૂઈગામ તાલુકાના પૂર્વ મહામંત્રી જામા પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.બીજીતરફ વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.. તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ઉપર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.. એન્ટ્રી પોઈન્ટ ઉપર સર્વેલન્સ પોઈન્ટ ઉભા કરાયા છે. મતદારોને રિઝવવા પ્રતિબંધિત વસ્તુઓ ન લઈ જવાય તે માટે ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ પોઈન્ટ ઉપર BSFના જવાનો પણ તૈનાત કરાયા છે.વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે.
જેમાં તા.15 ઑક્ટોબર, 2024 સુધીમાં 1,61,293 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતએ ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી.
2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.આ બેઠક પર અંદાજિત જાતિકરણ સમીકરણો તપાસીએ તો ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા, રબારી 9.1 ટકા મતદારો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ ચૂંટણી ભારે રસાકસીનો જંગ જોવા મળી શકે છે.
આ પણ વાંચો:ગ્રાહક પેનલમાં સહાયક સ્ટાફની ખાલી જગ્યાઓ ભરો: હાઈકોર્ટનો સરકારને આદેશ
આ પણ વાંચો:રાજ્ય સરકારની કમાલની કામગીરી ગૃહવિભાગની 27 હજાર ખાલી જગ્યાઓ 19 દિવસમાં થઈ 12 હજાર
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં જજોની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે,કોલેજિયમે પાંચ ન્યાયાધીશની કરી ભલામણ
