Rajkot Epidemic Viral Fever Cases: રાજકોટ શહેરમાં બદલાતા હવામાન અને મિશ્ર ઋતુની અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર દેખાવા લાગી છે. શહેરમાં શરદી, ઉધરસ, તાવ તેમજ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે.સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.
Rajkot : તાવ અને શરદી-ઉધરસના સૌથી વધુ કેસ
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજકોટ શહેરમાં સામાન્ય તાવના 711 કેસ નોંધાયા છે, જ્યારે શરદી અને ઉધરસના 635 કેસ સામે આવ્યા છે.હવામાનમાં વારંવાર થતા ફેરફાર અને ભેજવાળા વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
ઝાડા-ઉલ્ટીના 305 કેસથી ચિંતા
શહેરમાં પાણીજન્ય રોગોએ પણ ચિંતા વધારી છે. દૂષિત પાણી અને ખોરાકના કારણે ઝાડા-ઉલ્ટીના 305 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ટાઈફોઈડ અને કમળાના પણ 3-3 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સજાગ બન્યું છે.
મચ્છરજન્ય રોગોના કેસ પણ નોંધાયા
મચ્છરજન્ય રોગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુના 1-1 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. વધતી બીમારીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઘરોમાં ક્લોરિન ટેસ્ટ અને ફોગિંગ
પાણીજન્ય રોગો અટકાવવા માટે શહેરમાં 1,917 ઘરોમાં ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ મચ્છરજન્ય રોગો સામે પગલાંરૂપે 18,441 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોના 196 ઘરોમાં ફોગિંગ કરીને મચ્છરોનો ઉપદ્રવ નિયંત્રણમાં લેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલ
આરોગ્ય વિભાગે લોકોને ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવાની સલાહ આપી છે. સાથે જ ખુલ્લું ખાવાનું ટાળવા અને આસપાસ સફાઈ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. મચ્છરોથી બચવા માટે સંપૂર્ણ બાંયના કપડાં પહેરવા, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અને જરૂર પડે ત્યારે તાત્કાલિક તબીબી સારવાર લેવાની પણ સલાહ આપવામાં આવી છે.
હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
રોગચાળાના વધતા કેસોને કારણે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ ઝડપથી વધી રહ્યા હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટમાં વેગ પકડતો રોગચાળો, સામાન્ય તાવના 631 કેસ
આ પણ વાંચો: રાજકોટમાં વકરતો રોગચાળો, શરદી ઉધરસના હજારથી વધુ કેસ
આ પણ વાંચો: રાજકોટમાં માથું ઉચકતો રોગચાળો, ડેન્ગ્યુના કેસમાં મોટો ઉછાળો
