Bhadra Plaza Vending Issue: અમદાવાદના ભદ્ર પ્લાઝા વિસ્તારમાં પાથરણાં બજારને ફરીથી સ્થાપિત કરવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ‘સ્ટેટસ ક્વો’ (યથાસ્થિતિ) જાળવી રાખવાનો આદેશ આપતા સ્પષ્ટ કર્યું છે કે હાલ જે ફેરિયાઓ કાયદેસર રીતે ફૂટપાથ પર વેચાણ કરે છે તે સ્થિતિ યથાવત રહેશે, પરંતુ જાહેર માર્ગો પર દબાણ કરી શકાશે નહીં.

હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમની રોક
ગુજરાત હાઈકોર્ટે 13 માર્ચ, 2026ના રોજ ભદ્ર પ્લાઝામાં વેન્ડિંગ સ્પેસ પુનઃસ્થાપિત કરવા માટે સમયબદ્ધ નિર્દેશો આપ્યા હતા. આ આદેશનું પાલન ન કરવા બદલ હાઈકોર્ટે મ્યુનિસિપલ અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી, જેનો અમલ 21 માર્ચ (શનિવાર)થી થવાનો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ કડક વલણ પર હાલ પૂરતો સ્ટે આપી દીધો છે.
Bhadra Plaza મામલે AMCને રાહત
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે AMCની અરજી પર સુનાવણી કરી હતી. AMC વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ભદ્ર વિસ્તાર અત્યંત ગીચ અને ઐતિહાસિક રીતે સંવેદનશીલ છે. અહીં વેન્ડિંગની મંજૂરી આપવાથી જાહેર સુરક્ષા, ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે. અગાઉ1500થી વધુ ફેરિયાઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા, જેના કારણે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનો પણ પસાર થઈ શકતા નહોતા.

‘સ્ટેટસ ક્વો’ એટલે શું?
સુપ્રીમ કોર્ટે ‘સ્ટેટસ ક્વો’નો આદેશ આપ્યો છે, જેનો અર્થ એ છે કે અત્યારે ગ્રાઉન્ડ પર જે સ્થિતિ છે તે જ જાળવી રાખવાની રહેશે. એટલે કે, AMCએ જે દબાણ હટાવ્યા છે તે હાલ પાછા આવશે નહીં અને જાહેર માર્ગો ખુલ્લા રહેશે. માત્ર કાયદેસરના ફેરિયાઓ જ પોતાની મર્યાદિત પ્રવૃત્તિ ચાલુ રાખી શકશે.
AMC માટે કેમ છે આ મોટી જીત?
મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ આદેશ મોટી જીત સમાન છે કારણ કે હાઈકોર્ટના આદેશને કારણે તંત્ર પર ભારે દબાણ હતું. સુપ્રીમ કોર્ટે પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારીને હાલની સ્થિતિ યથાવત રાખવાનો નિર્દેશ આપતા રાહદારીઓ અને વાહનચાલકો માટે ભદ્ર વિસ્તારમાં અવરજવર સરળ રહેશે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! નાડું ખેંચવું અને બ્રેસ્ટ પકડવા એ ‘રેપનો પ્રયાસ’ જ ગણાશે
આ પણ વાંચો:‘લગ્ન પહેલાં સેક્સ કેવી રીતે કરી શકાય?’ સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપને ફટકાર લગાવી
આ પણ વાંચો:વિદ્યાર્થીએ શિક્ષકો અંગે મીમ્સ શેર કર્યા,સુપ્રીમ કોર્ટે પરીક્ષા માટે આપી મંજૂરી!
