Bharuch Jambusar Road Accident: કહેવાય છે કે વિધાતાના લેખ કોઈ મેખી શકતું નથી. ભરૂચના જંબુસર તાલુકાના વાવલી ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. ઘરમાં મોટા ભાઈના લગ્નની શરણાઈઓ વાગી રહી હતી, મહેમાનોની ચહેલપહેલ હતી, પણ અચાનક આવેલ એક માઠા સમાચારે લગ્નની ખુશીઓને કરુણ રૂદનમાં ફેરવી નાખી છે.
મોટા ભાઈ માટે ફૂલ લેવા ગયો અને કાળ ભરખી ગયો
વાવલી ગામનો 22 વર્ષીય યુવાન દેવાંશુ ઠાકોર (Devanshu Thakur) પોતાના મોટા ભાઈના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો. લગ્નનો પ્રસંગ હોવાથી દેવાંશુ બાઈક લઈને જંબુસર ખાતે ફૂલહાર અને દહીં લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરિવારને ક્યાં ખબર હતી કે હોંશે હોંશે નીકળેલો દેવાંશુ હવે ક્યારેય જીવતો પાછો નહીં ફરે.
આઈસર ટેમ્પાએ બાઈકને લીધી અડફેટે
દેવાંશુ જ્યારે પોતાનું બાઈક લઈને વડોદરા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક પૂરપાટ ઝડપે આવતા આઈસર ટેમ્પાએ તેને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે દેવાંશુને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો મદદ માટે દોડે તે પહેલા જ 22 વર્ષીય દેવાંશુએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો
ઘરમાં મોટા ભાઈના લગ્નની વિધિઓ ચાલી રહી હતી, ત્યારે જ દેવાંશુના મોતના સમાચાર પહોંચતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. લગ્નના ગીતો ગાતો પરિવાર અને કુટુંબીજનો શોકમાં ડૂબી ગયા હતા. જે ઘરમાંથી જાન નીકળવાની હતી, ત્યાંથી લાડકવાયા પુત્રની નનામી નીકળતા સમગ્ર વાવલી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
Jambusar પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક દેવાંશુના દેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર આઈસર ટેમ્પાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ભિંડ-ગ્વાલિયર હાઇવે પર ભયાનક અકસ્માત, ચારના મોત અને સાત ઘાયલ
આ પણ વાંચો:યુપીમાં મોટો અકસ્માત ગંગા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7ના મોત, 4 ઘાયલ
