Bharuch News/ મનસુખ વસાવાનો ભાજપ પર જ પ્રહાર, જિલ્લા નેતાઓ સામે જાહેરમાં આક્ષેપ

ભરૂચ ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો… સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava)એ જ જિલ્લા નેતાઓ સામે જાહેરમાં કર્યા ગંભીર આક્ષેપો, વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું.

Top Stories Gujarat Others Breaking News
Mansukh Vasavaએ નિલ રાવ અને હિતેશ વસાવા સામે ખોલ્યો મોરચો

Bharuch News: ભરૂચ લોકસભા બેઠકના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) ફરી એકવાર પોતાના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. દેડિયાપાડા ખાતે યોજાયેલા ભાજપના મનોમંથન કાર્યક્રમમાં તેમણે પક્ષના જ કેટલાક સ્થાનિક હોદ્દેદારો સામે જાહેરમાં ગંભીર આક્ષેપો કર્યા હતા. આ નિવેદનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Mansukh Vasavaનો આક્ષેપોનો વરસાદ

કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા સામે સીધી ટિપ્પણી કરતાં કહ્યું કે વિરોધ પક્ષના નેતા ચૈતર વસાવા (Chaitar Vasava) કાર્યકરોને ડરાવે તે સ્વાભાવિક છે, પરંતુ ભાજપના જ નેતાઓ કાર્યકરોને દબાણમાં લેતા હોય તો તે ચિંતાજનક બાબત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે પક્ષ માટે વર્ષોથી મહેનત કરનારા કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓની અવગણના થઈ રહી છે. સરકારની યોજનાઓ લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડવામાં સ્થાનિક સંગઠન નિષ્ફળ ગયું હોવાનું પણ તેમણે કહ્યું. સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા છતાં જમીનસ્તરે કામગીરી ન થવાને કારણે ચૂંટણીમાં નુકસાન થયું હોવાનો દાવો તેમણે કર્યો હતો.

મનસુખ વસાવા (Mansukh Vasava)એ ડુમખલના પોપટ મુદ્દાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કેટલાક નેતાઓએ ખોટા મુદ્દાઓને વધુ ઉછાળી પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે દાવો કર્યો કે આ પ્રકારના મુદ્દાઓના કારણે ભાજપની છબી પર અસર પડી છે.તાજેતરમાં ચર્ચામાં રહેલા કથિત ‘લાફાકાંડ’ મુદ્દે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમના જણાવ્યા મુજબ ચૂંટણી ફંડને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી, પરંતુ મારામારીની વાત ખોટી છે. તેઓ હંમેશા કાર્યકરોની સાથે ઊભા રહેતા નેતા હોવાનું પણ તેમણે જણાવ્યું.

Mansukh Vasava
Mansukh Vasava

સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava)એ પક્ષની આંતરિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો સિનિયર નેતાઓની અવગણના ચાલુ રહેશે તો પાર્ટીમાં ભંગાણ સર્જાઈ શકે છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી દરમિયાન અનુભવી નેતાઓની સલાહ લેવામાં આવી નહોતી, જેના પરિણામે પક્ષને નુકસાન ભોગવવું પડ્યું. ચૈતર વસાવા પર નિશાન સાધતા તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજના મુદ્દાઓ પર પસંદગીપૂર્વક રાજકારણ કરવામાં આવી રહ્યું છે. કરજણમાં આદિવાસી ડ્રાયવરો પર થયેલા હુમલા મુદ્દે પણ તેમણે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત નાંદોદની ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ (Darshanaben Deshmukh)એ પણ મનસુખ વસાવાના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે વરિષ્ઠ નેતાઓનું સન્માન જળવાઈ રહેવું જોઈએ અને સાંસદનું અપમાન આખા આદિવાસી સમાજનું અપમાન ગણાય. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે ભાજપના આંતરિક રાજકારણ અને સંગઠનની સ્થિતિ અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


આ પણ વાંચો:નર્મદા જિલ્લા પંચાયત હાર બાદ BJPમાં મનોમંથન, મનસુખ વસાવાના કડક પ્રહારો

આ પણ વાંચો:AAPના MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે : મનસુખ વસાવાનો આક્ષેપ

આ પણ વાંચો:નર્મદા જિલ્લામાં લાંચ કાંડ મુદ્દે સાંસદ મનસુખ વસાવાનો ભાજપ સામે જ મોરચો