ભરૂચનાં સેવાશ્રમ હોસ્પિટલમાં સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલની લાપરવાહીનાં આક્ષેપ સાથે હોબાળો મચાવતા હોસ્પિટલમાં વાતાવરણ ગરમાયુ હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચનાં સેવાશ્રમ હોસ્પિટલમાં સગર્ભા મહિલા મોહિનીબેન સંજયભાઈ બોખડા સારવાર અર્થે આવ્યા હતા અને તેમને ગતરોજ નોર્મલ ડિલિવરી થતા બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ બાળક અને મહિલા બંને સુરક્ષિત હતા પરંતુ મોડી રાત્રીએ મહિલાને ગુપ્તાંગ સ્થળેથી લોહી નીકળતા તેમજ ચક્કર આવતા હોવાની જાણ દર્દીનાં પરિવારજનોએ હોસ્પિટલનાં સંચાલકોને કરી હતી પંરતુ હોસ્પિટલ સંચાલકોએ ધ્યાન પર ન લેતા મહિલા મોહિનીબેન બોખડાનું મોત નિપજ્યુ હતુ. જેને લઇને પરિવારજનોએ હોસ્પિટલની લાપરવાહીનાં કારણે મૃત્યુ થયુ હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે હોસ્પિટલ સંચાલકોએ ભરૂચ એ ડિવિઝન પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃત્યુ પામેલ મહિલાનો મૃતદેહ પી.એમ અર્થે ખસેડી તપાસ કરતા મામલો થાળે પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ વારંવાર આવા વિવાદમાં સપડાય છે. તો બે માસ પહેલા એનઆરઆઈ દંપતીનાં બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જે બાબતે પણ ભારે હોબાળો મચ્યો હતો. તદ્ ઉપરાંત ચાર માસ પહેલા દહેજનાં સુવા ગામની સગર્ભા મહિલાનું પણ બાળકને જન્મ આપ્યા બાદ બાળક અને માતાનું મોત નિપજતા તે બાબતે પણ ભારે હોબાળો મચ્યો હતો અને આજની ઘટનામાં નોર્મલ ડિલિવરી બાદ પણ મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ ન્યાય મેળવવા પોલીસ ફરીયાદ કરતા પોલીસે પણ ઘટનાની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
સેવાશ્રમ હોસ્પિટલ માં ટ્રેનિંગ લેતી નર્સો દર્દીઓ ની સારવાર કરતી હોવાના આક્ષેપ
હોસ્પિટલ સંચાલકો ઓછા પગારમાં નર્સીંગ કોર્ષની ટ્રેનિંગ લેતી યુવતીઓની ભરતી કરતા હોય છે ત્યારે ભરૂચનાં સેવાશ્રમ હોસ્પિટલમાં પણ ઘણી યુવતીઓ નર્સીંગનાં કોર્ષ વિના ટ્રેનિંગ લેતી હોવાના કારણે દર્દીઓની આડેધડ સારવાર કરતી હોવાના કારણે પણ આવી ઘટનાઓ બનતી હોવાના આક્ષેપ સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સોની ડિગ્રીની ચકાસણી થયા તેવી મૃતકનાં પરિવાજનોએ પણ માંગ ઉચ્ચારી છે.
