Bharuch News: ભરૂચ શહેરમાં શાલીમાર ચોકડી નજીક નગરપાલિકા પાસે ST બસની બ્રેક ફેલ (Bus Brake Failure) થતાં અકસ્માત (ST Bus Accident) સર્જાયો હતો. બ્રેક ફેલ થતાં બસચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલાં અનેક ટુ-વ્હીલર વાહનો સાથે અથડાઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થઈ હતી.
ST Bus Accident: ખરીદી કરવા આવેલા ગ્રાહકોનાં વાહનોને નુકસાન
પ્રાથમિક માહિતી મુજબ, શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ પોતાનાં ટુ-વ્હીલર વાહનો બહાર પાર્ક કર્યાં હતાં. દરમિયાન ત્યાંથી પસાર થતી ST બસની બ્રેક ફેલ થતાં બસ સીધી પાર્ક કરેલાં વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માતમાં અનેક ટુ-વ્હીલર વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થયાના અહેવાલ નથી.
દિવાળીમાં નવાં ખરીદેલાં વાહનોને નુકસાન થતાં નારાજગી
દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકોએ નવાં વાહનો ખરીદ્યાં હોય ત્યારે અકસ્માતમાં વાહનોને નુકસાન થતાં માલિકોમાં નારાજગી જોવા મળી હતી. શહેરના સતત વાહનવ્યવહારથી ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓમાં પણ ચિંતા ફેલાઈ હતી.
બસ અને નુકસાનગ્રસ્ત વાહનો ખસેડવાની કામગીરી
અકસ્માત બાદ બ્રેક ફેલ થયેલી ST બસને સ્થળ પરથી ખસેડવાની તેમજ નુકસાનગ્રસ્ત ટુ-વ્હીલર (Shalimar Chowkdi Accident) વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ ST બસોની ફિટનેસ અને નિયમિત ટેકનિકલ તપાસ અંગે પણ સવાલો ઊઠ્યા છે. બસોની સમયસર જાળવણી અને જરૂરી તપાસ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ-ઉદેપુર હાઇવે પર કારનો અકસ્માત, ઓવરબ્રિજ પર પલટી જતાં ચાર ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: પડાણા પાટિયા પાસે બિહારના શ્રમિકનો આપઘાત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ પણ વાંચો: દિવાળીની રાત્રે 12 કલાકમાં 36નાં મોત! આગ અને અકસ્માતથી માતમ
