Bhavnagar News: ભાવનગરમાં હીરાના વેપારી સાથે ફ્રોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેઓએ હીરાદલાલોને હીરા વેચવા આપ્યા હતા, પરંતુ દલાલોએ હીરા વેચીને બધા રૂપિયા ન આપતા આ કેસ નોંધાયો છે. ભાવનગર શહેરના દેવબાગ વિસ્તારમાં રહેતા અને નિર્મળનગર માધવરત્નમાં હીરાની ઓફિસ ધરાવતા વેપારીએ હીરાના બે દલાલોને તૈયાર હીરાના પેકેટ વેચવા માટે આપ્યા હતા. આ હીરાના વેચાણ બાદ ટોટલ રકમ ₹ 14,40,430 આપવાના બદલે બંને દલાલોએ વેપારીને માત્ર 2,70,000 નું ચુકવણું કરી નાણા પરત કરવા મામલે હાથ ઊંચા કરી દેતા વેપારીએ બંને દલાલો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવો અંગે જાણવા મળતી વિગતો અનુસાર છેલ્લા લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં કારમી મંદી નો સામનો કરી રહ્યો છે આ ઉદ્યોગને ફરી બેઠા થવામાં ખાસો એવો સમય લાગી શકે છે મંદીની કળ હજી વળી નથી ત્યાં વેપારીઓ દલાલો દ્વારા કરાતા ઉઠામણા ની અસર પણ હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર જ નહીં પણ એક ફટકો સાબિત થઈ રહ્યો છે આ અંગે સરકાર કશું કરતી નથી તો બીજી તરફ સાંકડો રત્ન કલાકારો વેપારીઓ દલાલોની આજીવિકા નો પણ ગંભીર પ્રશ્ન સર્જાઇ રહ્યો છે ત્યારે આ મંદીના માહોલ વચ્ચે બે દલાલોએ એક વેપારીના નાણા ઓળવી જઈ છેતરપિંડી આચરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

શહેરના નિર્મલનગર વિસ્તારમાં માધવરત્ન બિલ્ડિંગમાં કાચા હીરા ની ખરીદી કરી પોલીશ્યેડ કરી વેચાણ કરતા ધર્મેશ તુલસીભાઈ ધામેલીયા ઉંમર વર્ષ ચાલીસ રહે રવિ દર્શન એપાર્ટમેન્ટ દેવબાગ ડેરી રોડ વાળાએ ભાવનગર અને મુંબઈ હીરા બજારમાં હીરાની દલાલી કરતા ઈશ્વર શામજી ભરોડિયા તથા ભાવેશ નામના હીરા દલાલ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે તેના વ્યવસાય મિત્રોની ઓળખાણથી આ બંને હીરા દલાલોને ડબલના તૈયાર હીરા વેચાણ માટે આપ્યા હતા આ હીરા વેચાણ થકી કુલ રૂપિયા 14,40,430 ની રકમ બંને દલાલોએ વેપારી ધર્મેશને ચૂકવવાની થતી હોય પરંતુ નિયત સમયગાળો વીતવા છતાં બંને દલાલોએ હીરા વેચાણની રકમ પૂરેપૂરી ચૂકવી ન હતી અને માત્ર ₹2,70,000 જ ચૂકવ્યા હતા.
આમ આ બંને દલાલોએ હીરાના વેપારી સાથે રૂપિયા 11 લાખ 70,430 ની રકમ નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી આ મામલે ડાયમંડ એસોસિએશન ના હોદ્દેદારો વચ્ચે રાખી મિટિંગ યોજવામાં આવી હતી એ મિટિંગમાં પણ બંને દલાલોએ કુલ રકમમાંથી માત્ર 15થી 20 ટકાનું ચુકવણું કરવાની વાત કરી હતી અને આ રકમ પણ જો તે ન લે તો તે થાય તે કરી લે એવી ધમકી પણ બંને દલાલોએ આપી હતી આ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ બંને દલાલ નો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ભાવનગરમાં નકલી ઈનવોઈસ અને ક્વોટેશન બનાવી રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી
આ પણ વાંચો: ભાવનગરમાં શિક્ષક સાથે ઓનલાઇન છેતરપિંડી
આ પણ વાંચો: શેરબજારમાં રોકાણના નામે ભાવનગરમાં છેતરપિંડી, શિક્ષક-ડોક્ટર છેતરાયા
