વિકાસશીલ ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થઇ રહ્યો છે. મોટા મોટા, આધુનિક સુવિધાથી સજ્જ ઓટોમેટીક બિલ્ડીંગો બની રહ્યા છે. મોટા ભાગની સરકારી કચેરીઓમાં પાયાની માળખાગત સુવિધાઓ વધતી જાય છે. પરંતુ સિહોર તાલુકા પંચાયત કચેરીનું બિલ્ડિંગ વર્ષો જૂનું અને જર્જરિત હાલતમાં હોય તેને અપગ્રેડ કરી સુવિધાયુકત બનાવવા લોકોની માંગ ઊઠવા પામી છે. લોકો આશા સેવી રહ્યાં છે કે સિહોર તાલુકા પંચાયત કચેરી આધુનિક સુવિધાથી સજ્જ થાય અને ઝડપથી પ્રજાના પ્રશ્નો હલ થાય.

વધુ વિગત અનુસાર સિહોર તાલુકા પંચાયતની બિલ્ડીંગ જોઈને લોકોને કામ કરવા જવામાં બીક લાગે છે. બિલ્ડીંગની હાલત એટલી જર્જરિત છે કે ગમે ત્યારે પોપડા માથે પડે છે. બાંધકામ શાખામાં બાંધકામ નથી થતું. આ શાખામાં તો કાયદેસર ચોમાસામાં પાણી પડે છે. આ કચેરીમાં સફાઈનો પણ પ્રશ્ન છે અને ચારે તરફ જાળા(બાવા) જોવા મળે છે. બાંધકામ શાખાનાં કર્મચારી પોપડા પડવાથી ટેવાઈ ગયા હોય તેવી વાત કરે છે પરંતુ અનેક ગામનાં લોકો આ કચેરીમાં વિવિધ આશાઓ લઈને આવે છે. ત્યારે તેના જીવ જોખમમાં મુકાય છે અને કચેરીની હાલત આવી હોય તો અન્ય પ્રશ્નનું નિરાકરણ આવશે કે કેમ તે અંગે નિરાશ અને હતાશ થાય છે.

સિહોર તાલુકા પંચાયત નીચે 78 ગામો આવે છે. ત્યારે સિંહોર તાલુકા પંચાયતની કચેરી આધુનિક સુવિધાઓથી સજ્જ થાય એ મહત્વનું છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને રાજકેય પક્ષોએ તાલુકા પંચાયતમાં સત્તા ભોગવી છે, સમયાંતરે બન્નેએ દાવાઓ કર્યા છે જે હંમેશા પોકળ સાબિત થયા છે. આ વખતે ભાજપની બહુમતી છે અને દાવો કરે છે કે નવા બિલ્ડિંગ બનશે. પણ ક્યારે બનશે? એ હવે ગ્રામજનોનો સવાલ છે. ગ્રામજનો તો એવી વાત પણ ઉચ્ચારી રહ્યા છે કે જો તાત્કાલિકતાલુકા પંચાયત કચેરી રીપેર કરવામાં આવશે નહિ તો રાજકીય એકપણ કાર્યક્રમ થવા દેવો નહિ. જયારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી , તાલુકા પંચાયતના પ્રમુખ, જીલ્લા પંચાયતના પ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના નેતા સિહોર તાલુકાના હોય પણ કોઈને અદ્યતન બિલ્ડીંગ બનાવામાં રસ નાં હોય તેવું ગ્રામજનોને અનુભવાઈ રહ્યું છે. ગામડાઓમાંથી આવતા લોકો માટે ધોમધખતા તાપમાં પણ અહીં નથી બેસવાની કે પાણીની સુવિધાઓ નથી ત્યારે ચોમાસમાં પોપડા પાડવા અને વરસાદમાં ભીંજાવાનાં ડર સાથે જ જીવવાનું રહે છે. કચેરીના કેટલાક કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે અને તેઓ પણ આ બિલ્ડીંગ ઝડપથી થાય એવું ઈચ્છી રહ્યા હોવાનું ચર્ચે છે.

આ પણ વાંચો : PF ખાતાધારકો માટે EPFO વિભાગે જારી કર્યું એલર્ટ, જાણો આ મહત્ત્વના સમાચાર
